ભાવનગરથી અમદાવાદ વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડાવવાની લાંબા સમયની ભાવનગરવાસીઓની માંગણી આખરે દિવાળી ટાણે સંતોષાય છે. આજે સાંસદ ભારતીબેન શિયાળ, શિક્ષણ કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસ્ભ્ય વિબાવરીબેન દવે, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના મહાનુભાવોએ ટ્રેનને લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન આવતીકાલે રવિવારથી દરરોજ સવારે ૬ કલાકે ભાવનગર-સાબરમતી વચ્ચે તેમજ સાંજે ચાર કલાકે સાબરમતી-ભાવનગર વચ્ચે દોડશે.
રેલવે બોર્ડે તા.૨૨-૧૦થી ભાવનગર-સાબરમતી-ભાવનગર વચ્ચે દરરોજ એક સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેન નંબર ૨૨૯૬૬ અને ૨૨૯૬૫ ચલાવવા ર્નિણય કર્યો છે. કાલે રવિવારથી ઈન્ટરસિટી ટ્રેન ભાવનગરથી દરરોજ સવારે ૬ કલાકે ઉપડી સવારે ૧૦-૩૦ કલાકે સાબરમતી પહોંચશે અને સાબરમતીથી સાંજે ૪ કલાકે ઉપડી રાત્રે ૮-૩૦ કલાકે ભાવનગર પહોંચશે. બન્ને દિશામાં ટ્રેન ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ૩ ટાયર, સ્લીપર, ચેર કાર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ કરાયો છે. ભાવનગર-સાબરમતી દૈનિક સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેનનું બુકીંગ આજથી કરી શકાશે.
અગ્ર હરોળમાં રહેવા એડજેસ્ટ તો થવું પડેને..?! ત્રણના સોફામાં ચાર ગોઠવાયા !
આજે રેલવે સ્ટેશન પર ફલેગઓફ આપવાના પ્રસંગે ઉપસ્થિત અપેક્ષિત અને અન અપેક્ષિત રાજકીય આગેવાનો અગ્ર હરોળમાં બેસવા એડજેસ્ટ કરતા જાેવા મળ્યા હતા, ત્રણની બેઠક ક્ષમતા ધરાવતા સોફામાં ચાર ચાર સાકડ મુકડ ગોઠવાયા હતા! ભાવનગરમાં રાજકીય નેતાઓ અગ્ર હરોળમાં રહેવા એક બીજા સાથે સ્પર્ધામાં રહે છે પરંતુ લોકોના પ્રશ્નો ઉકેલવા કમર કસે તો સ્પર્ધા કરવી ન પડે અને જનતા જ ખભા પર ઊંચકી લે. પરંતુ આમ થતું નથી!