સોમાલિયાના કિસ્માયો શહેરની એક હોટલમાં કાર બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 47 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. , રવિવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) હુમલાખોરોએ હોટલમાં વિસ્ફોટ કરીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં હોટલ અને તેની આસપાસ હાજર લોકોને નિશાન બનાવાયા હતા.
જાણ થતાની સાથે જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને તમામ હુમલાખોરોને ઠાર માર્યા. મળતી માહિતી મુજબ, આતંકી સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. આ વર્ષે ઓગસ્ટમાં પણ આ આતંકી સંગઠને સોમાલિયાના મોગાદિશુ ખાતે આવેલી હોટેલ હયાત પર હુમલો કર્યો હતો. જેમાં અડધા ડઝનથી વધુ લોકોના મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટકોથી ભરેલી કાર હોટલના ગેટ સાથે ટકરાઈ હતી અને ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ પછી ત્રણ હુમલાખોરોએ હોટલ પર હુમલો કર્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરીને ત્રણેય હુમલાખોરોને ઠાર માર્યા હતા. આ બનાવમાં 9 લોકોના મોત નીપજ્યાં છે અને 47 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.