મોરબીમાં ગોઝારી દુર્ઘટના પછી શહેર આંસુઓ સાથે આખી રાત જાગતું રહ્યું છે. દિવાળી નિમિત્તે શહેરમાં રોશનીઓ કરવામાં આવી હતી તે ઉતારી લેવામાં આવી છે. મોરબીમાં સેવાભાવીઓ, તંત્ર, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ વગેરેએ ખડેપગે રહીને સારવાર, રેસ્ક્યૂની કામગીરી કરી છે અને ઘટનાના કલાકો પછી પણ ગુજરાત સ્તબ્ધ છે.
મોરબી શહેરમાં દિવાળી નિમિત્તે શાનદાર રોશની કરવામાં આવી હતી. બે વર્ષ સુધી કોરોનાનો ઘા ઝીલ્યા બાદ આ વર્ષે શહેરે સરખી દિવાળી જોઈ હતી. પરંતુ જાણે કુદરતને કાંઈ અલગ જ મંજૂર હોય તેમ આ ભયંકર હોનારત સર્જાઈ. 25થી વધુ બાળકો સહિત 141 મૃતદેહો હાથ લાગતા કોણ કોના આંસુ લૂછવા જાય તેવી વિમાસણ ઊભી થઈ ગઈ હતી. આ હોનારતના શોકમાં મોરબી શહેરમાંથી લગભગ બધા સ્થળેથી રોશની ઉતારી લેવામાં આવી છે.
મોરબી શહેરમાં દિવાળીના ઝગમગતા દીવડા અચાનક ઓલવાઈ ગયા છે. 141 લાશ મળી આવી છે અને તેમાં પણ 25 જેટલા તો નાના બાળકો છે. જે ઘરના આંગણામાં બાળકોની કિકિયારીઓ જોવા મળતી હતી ત્યાં મરશિયા ગાવાનો વારો આવ્યો છે. આ આખી પરિસ્થિતિએ મચ્છુ હોનારત જેવી ભયાવહતા ફરી એક વાર મોરબીમાં ફેલાવી દીધી છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. આને કારણે જાણે આખું મોરબી શહેર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ શહેર આખામાં ડરામણો સન્નાટો ફેલાઈ ગયો હતો.




