અમદાવાદમાં BIS (ભારતીય માનક બ્યુરો) દ્વારા ISI માર્ક વિનાના LED બલ્બ બનાવતી કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. BSI દ્વારા કંપનીમાં લાયસન્સને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના અસારવા ખાતે આવેલી એલઇડી બલ્બ ઉત્પાદક શ્રીજી પાવર ટેક એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કંપની BISના લાઈસન્સ વિના બલ્બનું ઉત્પાદન કરતી હતી. દરોડા દરમિયાન અધિકારીઓએ ખૂબ મોટી સંખ્યામાં સ્ટાન્ડર્ડ માર્ક વગરના એલઇડી બલ્બનો જથ્થો તેમજ વેચાણના બિલ સહિત કમ્પ્યૂટરમાંથી ડિજિટલ ડેટા જપ્ત કર્યો છે.
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી લાઈસન્સ લીધા વિના એલઇડી બલ્બના ઉત્પાદનમાં સંડોવણીની માહિતી સામે આવી હતી. જેના આધારે સોમવારે અસારવાના અષ્ટમંગલ એસ્ટેટ ખાતે આવેલા શ્રીજી પાવરટેક પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ભારતીય માનક બ્યુરોના માન્ય લાઇસન્સ વગર ઉત્પાદન કરનાર વિરૂદ્ધ બે વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછાં રૂ. 2 લાખના દંડની જોગવાઇ રાખવામાં આવેલી છે.