ધર્મ પરિવર્તન કરીને મુસ્લીમ કે ક્રિશ્ચયન બનનાર અનુસૂચિત જાતિના લોકોને એસસીની જેમ અનામતનો લાભ ન આપી શકાય, આ મતલબનું સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી જણાવ્યું હતું.
સરકારે આ સોગંદનામું એક જાહેર હિતની અરજીના જવાબમાં દાખલ કર્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે અનામતનો લાભ ક્રિશ્ચયન અને મુસલમાન બનેલા દલિતોને પણ મળે. આ જાહેર હિતની અરજી જસ્ટીસ રંગનાથ મિશ્રાના રિપોર્ટના અનુસંધાને તૈયાર કરાઈ હતી, જેણે અભ્યાસ કર્યો હતો કે અન્ય ધર્મોના દલિતો પણ એવી સ્થિતિનો સામનો કરે છે, જેવો હિન્દુ દલિત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસસી, એસટી પંચે પણ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે. આ અરજી પર જસ્ટીસ કૌલની પીઠે 30 ઓગસ્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
જસ્ટીસ રંગનાથ મિશ્રા પંચે જણાવ્યું હતું કે અન્ય ધર્મોના દલિતો પણ એવી જ અયોગ્યતાનો સામનો કરે છે જેવો હિન્દુ દલિતો કરે છે. 1950નો બંધારણીય આદેશ ભેદભાવવાળો છે, તે ક્રિશ્ચયન બનનાર દલિતને એસસીનો દરજજો નથી આપતો. જયારે આ જાહેરની અરજીનો સુપ્રીમમાં જવાબ આપતા સરકાર પક્ષે જણાવ્યું હતું કે 1950નો બંધારણીય આદેશ ગેરબંધારણીય ગ્રસ્ત નથી. કારણ કે છુઆછુત (અસ્પૃશ્યતા) જેવી દમનકારી વ્યવસ્થા કેટલાક હિન્દુ જાતિઓને પછાતપણા તરફ લઈ જાય છે, જયારે ક્રિશ્ચયન અને ઈસ્લામી સમાજમાં આવી વ્યવસ્થા નથી, આ કારણે ક્રિશ્ચયન અને મુસ્લીમ સમાજને તેનાથી બહાર રખાયા છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે મિશ્રા આયોગોનો રિપોર્ટ ફિલ્ડ સ્ટડી આધારિત નહોતો અને ખૂબ જ સંકુચીત હતો. તેમાં એ ધ્યાન નહોતું અપાયું કે હાલની એસસી યાદીમાં તેમને જોડવામાં આવે તો તેની શું અસર થાય.