ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ભાગદોડ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હળવો અંદાજ સામે આવ્યો. બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કાર્યક્રમ અનુસાર રાજભવન પહોંચવાના હતા. પરંતુ રાજભવન પહેલાં અચાનક જ પીએમ ગાંધીનગર કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના અચાનક પ્રવાસથી નેતાઓમાં જરૂર કચવાટ હતો કે આખરે આ પીએમની આ ઓચિંતી મુલાકાતનું કારણ શું હશે. જોકે, પીએમ મોદીએ આ સરપ્રાઈઝ મુલાકાતમાં રાજનીતિના બદલે એક પરિવારના મોભી હોય તેવી રીતે ત્યાં હાજર તમામ કાર્યકરો અને કમલમના કર્મચારીઓ સાથે તેમના પરિવાર અંગે ચર્ચા કરી. આ સિવાય ચૂંટણીની વ્યસ્તતામાં કામના ભારણ અંગે પણ ચર્ચાઓ કરી હતી. લગભગ 40 મિનિટથી પણ વધુ સમય સુધી પ્રધાનમંત્રી કમલમમાં રોકાયા હતા અને બહાર નીકળ્યા ત્યારે પણ હળવા અંદાજમાં દેખાયા હતા.