મહુવા તાલુકાના ઓથા ગામમાં રહેલા શ્રમજીવી યુવાન ઉપર ચાર શખ્સે તલવાર, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના ઓથા ગામમાં રહેતા અને લાકડાની મજૂરીનું કામ કરવા ઈકબાલભાઈ મામજીભાઈ સેલોત ( ઉ.વ.૪૦ ) ને ઉર્વેશભાઈ ઉર્ફે ગોલ્ડન યુનુસભાઈ સેલોત સાથે મોટર સાઇકલ આડી ઊભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખી ગઈકાલે તેઓ તેમનું મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કારમાં આવેલા ઉર્વેશ અને ત્રણ અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ આડી કાર ઉભી રાખે કારમાંથી ઉતરી ઈકબાલભાઈ ઉપર તલવાર, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત ઈકબાલભાઈને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે ઇકબાલભાઈએ ઉર્વેશ અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.