વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઇન્કમટેક્સ વિભાગે ચૂંટણી પંચ અને પોલીસ ખાતાના સંયુક્ત ઉપક્રમે બેનામી રકમની હેરાફેરી ના થાય અને ચૂંટણીમાં એનો દુરુપયોગ ન થાય તે માટે સઘન તપાસ અને પેટ્રોલિંગ શરૂ કરી છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત અને તાપીમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
વિધાનસભાની ચૂંટણી અગાઉ આવકવેરા વિભાગે જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. IT વિભાગની કાર્યવાહીમાં ખેડૂતો પણ આવી ગયા છે. ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી આઇટીને મળી છે. IT ઇન્વેસ્ટિગેશનના સૂત્રોએ કહ્યુ કે, ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે. તાપીના સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલા શખ્સોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ સુરતમાં જમીન લે-વેચના વ્યવહારોમાં 4 પાર્ટીઓ આવકવેરા વિભાગના સકંજામાં આવી છે. આવકવેરા વિભાગની તપાસમાં મોટી માત્રામાં કાળું નાણું, બેનામી વ્યવહારો પકડાવાની શક્યતાઓ છે. અધિકારીઓ હાલ જે તે પાર્ટીઓના સ્ટેટમેન્ટ લઇ રહ્યા છે.
તપાસ બાદ મોટા ધડાકાની સંભાવના
અધિકારીઓ છેલ્લાં લાંબા સમયથી જમીનોના સોદા પર વોચ રાખી રહ્યા હતા. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના IT અધિકારીઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ચૂંટણી જાહેર થયા પછી કેટલાક શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા હતા. જેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.