કોચ ટેન હેગથી નારાજ ફૂટબોલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડનો સાથ છોડ્યો છે. ક્લબે ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે રોનાલ્ડોને અભિનંદન પણ પાઠવ્યા છે. રોનાલ્ડોએ પરસ્પર સંમતિ બાદ તાત્કાલિક અસરથી ક્લબ છોડી દીધી છે. આ દિગ્ગજ ખેલાડીએ ક્લબ માટે ઘણા મોટા ટાઈટલ જીત્યા છે.
વાસ્તવમાં ગયા મહિને રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડ મેનેજમેન્ટ અને કોચ ટેન હેગ પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. જે બાદ તેઓ સતત નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે હવે રોનાલ્ડોએ ફિફા વર્લ્ડ કપની મધ્યમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓક્ટોબરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન રોનાલ્ડોએ કોચની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી અને તે પછી જ તેમણે ક્લબ છોડવાનો એક સંકેત પણ આપ્યો હતો. ક્લબ છોડ્યા પછી તેમણે કહ્યું, ‘મારા માટે નવો પડકાર શોધવાનો આ યોગ્ય સમય છે. હું ટીમ અને તેના દરેક સભ્યોને બાકીની સિઝન માટે શુભેચ્છા પાઠવું છું.’
આ સ્ટાર ફૂટબોલરે માન્ચેસ્ટર માટે કુલ 346 મેચ રમી છે અને 145 ગોલ પણ કર્યા છે. ટ્વિટર પર માહિતી આપતા ક્લબે લખ્યું, ‘રોનાલ્ડોએ પરસ્પર સંમતિ બાદ તાત્કાલિક અસરથી ક્લબ છોડી દીધી છે. ક્લબમાં તેમના શાનદાર યોગદાન બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. તેમને અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’