આમ આદમી પાર્ટીના કાર્યકરે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપવા માટે ગુંદરણા ગામના ચુવાળીયા સમાજના લોકોને રૂ.ત્રણ લાખ રોકડા આપ્યાની ફરિયાદ જેસરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને એફ.એસ.ટી.અધિકારીએ જેસર પોલીસ મથકમાં નોંધાવતા જેસર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર અને રોકડ રકમ સ્વીકારનાર અન્ય આઠ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ જેસરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટણીમાં એફ.એસ.ટી.અધિકારી તરીકે ફરજ બજાવતા પંકજકુમાર કેશવલાલ રાઠોડની ટીમના વિસ્તરણ અધિકારી કે.એમ.રાવલ,પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી.લાંગાવદરા, વિડિઓગ્રાફર સહિતના સાથે આચારસંહિતાના અમલ અર્થે રાઉન્ડમાં હતા તે દરમિયાન જેસર-પાલીતાણા ચોકડી પાસે ફરસાણની દુકાને નાસ્તો કરવા ભેગા થયેલા ૮ લોકો રોકડ રકમની વાતચીત કરતા હોય એફ.એસ.ટી.ટીમે તેમની ઓળખ આપી તમામની તલાશી લેતા ચાર વ્યક્તિઓ પાસેથી રોકડા રૂ.ત્રણ લાખ મળી આવ્યા હતા.
એફ.એસ.ટી.ટીમે હાજર મનજી રવજીભાઈ જજવાડીયા, રાજુ ખોડાભાઈ માવરીયા, કનુ મથુરભાઈ માવરીયા, ભુપત છગનભાઈ મકવાણા,જયેશ વાલજીભાઈ મકવાણા, ખાટા વજાભાઈ જજવાડીયા, ધીરુ વેલજીભાઈ પરમાર, અને ગોરધન બચુભાઈ ચૌહાણ રહે. તમામ ગુંદરણા તા. મહુવા વાળાને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગઈ તારીખ ૨૪/૧૨ ના રોજ ગુંદરણા ગામમાં આવેલ વેલનાથબાપુની જગ્યાએ અમારા સમાજના લોકો ભેગા થયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દીપકભાઈ ખૂંટ તેમની કાર લઈને આવ્યા હતા અને તમારા સમાજના લોકો આમ આદમી પાર્ટીને મત આપશે તો અમે રૂપિયા 3 લાખ રોકડા આપીશું તેમ વાત કરી હતી અને સમાજે આમ આદમી પાર્ટીને મત આપવાનું નક્કી કર્યું હતું.
દીપકભાઈ ખૂંટ એ 3 લાખ રોકડા ગારીયાધાર આવી લઈ જવાનું કહેલ હોય સમાજના આઠ વ્યક્તિ ગારીયાધાર ખાતે રોકડ રકમ લેવા ગયા હતા અને રકમ મેળવી પરત ફરતા હતા. આ રકમ ચુવાળીયા સમાજની વાડી બનાવવા માટે વાપરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું હાજર વ્યક્તિઓએ જણાવ્યું હતું.
આ અંગે જેસરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને એફ.એસ.ટી. ટીમ નં.૩ ના અધિકારી પંકજકુમાર કેશવલાલ રાઠોડે ગારીયાધારના દિપકભાઈ ખૂંટ અને ગુંદરણાના ચુવાળીયા સમાજના આઠ વ્યક્તિઓ વિરુદ્ધ જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે ઇ.પી.કો.કલમ ૧૭૧ બી,૧૭૧ સી,૧૭૧ ઇ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૨૩( ૧ ) ( એ ) ( બી ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.