ભાવનગર શહેર અને જિલ્લાની ૭ વિધાનસભા બેઠકના પરિણામો ગઈ કાલે જાહેર થયા છે. ભાવનગર જિલ્લાની ૭ બેઠકો ઉપર ચૂંટણી લડતા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને અપક્ષ મળી ૬૬ ઉમેદવારો પૈકી હરીફ ઉમેદવારોને બાદ કરતાં ૮૮ ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે.
ભાવનગર શહેર અને જિલ્લાની ૭ વિધાનસભા બેઠક પર રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષના ઉમેદવારો ઉપરાંત ૨૭ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન થયા બાદ ગુરુવારે પરિણામ જાહેર થતા ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, મહુવા, તળાજા અને પાલીતાણા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સરસાઈથી વિજેતા જાહેર થયા હતા.જ્યારે ગારીયાધાર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફ મતદારોનો ઝુકાવ જોવા મળતા ચૂંટણી જંગમાં ઝંપલાવનાર મોટાભાગના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી છે.અપક્ષ ચૂંટણી લડી રહેલા ૨૭ ઉમેદવારો પૈકી માત્ર એક ઉમેદવારને એક હજારથી વધુ મત મળ્યા છે. જ્યારે બાકીના ૨૬ ઉમેદવારોને ૨૦૦ થઈ લઈને ૯૦૦ જેટલા મત મળતા તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી છે.
નિયમ મુજબ ચૂંટણી લડતા ઉમેદવારે થયેલ મતદાનના ૧/૬ મત મેળવ્યા હોય તો તેણે ભરેલી ડિપોઝીટ પરત મળે છે.ભાવનગર શહેર અને જિલ્લાની ૭ બેઠકો પર ચૂંટણી લડનાર ૬૬ પૈકી ૮૮ ટકા જેટલા રાષ્ટ્રીય,પ્રાદેશિક પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ડિપોઝીટ બચાવી શકે તેટલા મત મેળવવામાં પણ અસમર્થ રહયા હતા.
વિધાનસભા બેઠકવાઇઝ ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોની સ્થિતિ જોઈએ તો મહુવામાં ૧૦ પૈકી ૮, તળાજામાં ૧૦ પૈકી ૮, ગારિયાધારમાં ૧૦ પૈકી ૮,પાલિતાનામાં ૭ પૈકી ૫,ભાવનગર ગ્રામ્યમાં ૬ પૈકી ૫,ભાવનગર પૂર્વમાં ૮ પૈકી ૬ અને ભાવનગર પશ્ચિમમાં ૧૫ પૈકી ૧૩ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મળ્યા નથી.