બિહારના બગહામાં ધોરણ 6મા ભણતી 13 વર્ષની સગીરા પર ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી છે. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને 7 ફૂટ લાંબા અને 4 ફૂટ ઊંડા ખાડામાં દફન કરી દેવામાં આવ્યો હતો. સગીરા 15 ડિસેમ્બરથી ઘરેથી ગુમ થઈ હતી.
રવિવારે સવારે સગીરાની શોધમાં નદી પાર પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો ચોંકી ઊઠ્યાં હતાં. નદીની નજીકની જમીન ખોદી હોવાનું દેખાતું હતું. તેના પર બોરના ઝાડના કાંટા મૂકવામાં આવ્યા હતા. ગામલોકોને શંકા જતાં જમીનમાં ખોદકામ કર્યું તો ત્યાંથી તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો. તરુણીનો સ્કૂલ યુનિફોર્મ પણ ખાડા પાસેથી મળી આવ્યો હતો. શેરડીના ખેતરમાંથી તેનાં ચંપલ પણ મળી આવ્યાં હતાં. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આસપાસ લોકોની ભીડ હતી. અહીં, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં લાગી ગઈ. પાટખોલી ઓપી વિસ્તારના એક ગામની ઘટના છે. જણાવવામાં આવી રહ્યું છે કે તરુણીની શેરડીના પાન વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શેરડીના ખેતરમાં તેની સાથે પહેલા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. બાદમાં નદીકિનારે ખાડો ખોદી મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો.