સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ડુંગરગાળાની અંદર છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઇને લોકોમાં ભારે ગભરાહટ અને ફફડાટ ઉભો થયો હતો અને આ સ્થિતમાં છેલ્લા પંદર દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આખરે વન વિભાગને દીપડાના પરિવારના પાંચ પૈકી ૨ બાળ દીપડાને પકડવામાં સફળતા મળી છે જ્યારે અન્ય ત્રણને પકડવા હજુ શોધખોળ અને જહેમત ચાલુ છે.
સિહોરી માતા આસપાસના વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવેલ જેમાં શનિવાર રાત્રિના દીપડાનું એક બચ્ચું પાંજરામાં આવી ગયું હતું જ્યારે બીજું રાત્રિના ગમે તે સમયે સિહોરમાં આવી ગયું હશે. સવારે છ-સાડા છના સુમારે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ગૅલોર્ડ હોટેલ સુધી બાળ દીપડો પહોંચી ગયો હતો અને લગભગ પ્રથમ માળે ચડી ત્યાંથી નીચે ઓટીએસમાં પટકાયો હતો. ગેલેરીમાં દીપડો ફસાઇ ગયાના સમાચાર સિહોર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. અને આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ હોટેલ ગૅલોર્ડ ખાતે પહોંચી ગઇ હતી અને જહેમત બાદ દીપડાના બચ્ચાંને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. દરમિયાનમાં લોકોના ટોળા મોટી માત્રામાં એકઠા થઇ ગયા હતા.
સિહોરી માતાના ડુંગર આસપાસ ધમાં નાખનાર દીપડાના પરિવારના ૫ પૈકીના બે દીપડા પકડાઇ જતાં હવે બાકી રહેલા ત્રણ દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ આ વિસ્તારમાં સતત ખડેપગે છે. તેમ સિહોર રેન્જ ફોરેસ્ટ ઑફિસર બી.આર.સોલંકીએ જણાવ્યું હતું.