વિશ્વના કેટલાંક દેશોની જેમ ભારતમાં પણ કોરોનાની નવી લહેરના જોખમ વચ્ચે સરકાર એલર્ટ બની છે ત્યારે સરકાર પાસે રસીનો પુરતો સ્ટોક નથી. કોરાનાથી સાવધ થયેલા લોકોમાં કોરોના રસીના બુસ્ટર ડોઝ મુકાવાનો ટ્રેંડ શરૂ થયો છે. તેને પગલે રાજયો કેન્દ્ર પાસેથી રસીના ડોઝ માંગવા લાગ્યા છે પરંતુ કેન્દ્ર પાસે એક કરોડ ડોઝથી પણ રસીનો ઓછો સ્ટોક છે.
કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યુ કે કર્ણાટક, ઉતર પ્રદેશ, તેલંગાણા, જેવા રાજયોએ બુસ્ટર ડોઝની વધતી ડીમાંડને પગલે કેન્દ્ર પાસેથી વધારાની રસી માંગી છે પરંતુ સરકારે ફાળવણી વિશે તત્કાળ કોઈ જવાબ આપ્યો નથી. મહત્વની વાત એ છે કે કોરોના રસીનો પૂરતો સ્ટોક ન હોવા છતા છેલ્લા બે દિવસથી કેન્દ્રમાં ઉચ્ચ સ્તરીય બેઠકોમાં રસીનો વધુ સ્ટોક ખરીદ કરવો કે કેમ તે કોઈ ચર્ચા થઈ નથી. કેન્દ્ર સરકારના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 12 વર્ષથી અધિકની ઉમરના લોકોને અત્યાર સુધીમાં રસીના 220 કરોડ ડોઝ મુકવામાં આવ્યા છે. બુસ્ટર ડોઝ પાત્ર માત્ર 28 ટકા લોકોએ તે મેળવ્યા છે. કેન્દ્ર સરકાર બે દિવસથી ઉચ્ચસ્તરીય બેઠક કરી રહી છે. ગઈકાલે ખુદ વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.
કેન્દ્ર સરકાર પાસે ભારત બાયોટેક નિર્મિત 77.34 લાખ તથા સીરમ ઈન્સ્ટીટયુટે બનાવેલી કોવીશીલ્ડનો માત્ર 2.89 લાખ ડોઝનો સ્ટોક છે. 12 થી 14 વર્ષનાં બાળકો માટેની કોર્બેવેકસ રસીના 9.85 કરોડ ડોઝનો ઉપયોગ થયો છે. મહારાષ્ટ્ર પાસે સૌથી વધુ 17 લાખ ડોઝ રસીનો સ્ટોક છે. ઓડીસા, મીઝોરમ, દાદરાનગર હવેલી, દિવ-દમણ તથા લક્ષદ્વિપમાં રસીનો સ્ટોક ખલાસ છે. જયારે અન્ય મોટાભાગનાં રાજયો પાસે 10 લાખ કરતા પણ થયો છે. સુત્રોએ કહ્યું કે કોરોના રસી પાછળ કેન્દ્ર સરકારે 35500 કરોડનો ખર્ચ કર્યો છે. કોવીશીલ્ડ પાછળ સૌથી વધુ 26500 કરોડનો ખર્ચ કરાયો છે. સરકાર માટે નાણાની કોઈ સમસ્યા નથી પરંતુ બુસ્ટર ડોઝ મફત આપવા કે ખાનગીમાં ખરીદવાને પ્રોત્સાહન આપવુ તેનો નિર્ણય લઈ શકાયો નથી.ઈન્સ્ટીટયુટના પ્રવકતાએ કહ્યું કે સરકાર ઓર્ડર કરે તો વહેલીતકે રાહત આપવાની તૈયારી છે. અત્યાર સુધી લોકો રસી લેવામાં રસ લેતા ન હતા. કારણ કે કેટલાંક વખતથી કોરોના સંપૂર્ણ કાબુમાં આવી ગયો હતો. હવે સંભવીત ખતરાને ધ્યાને રાખીને લોકો પણ બુસ્ટર ડોઝ લેવા દોડવા માંડયા છે.