દિલ્હી- વડોદરા- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે. સોહનાના અલીપુરથી મુંબઈ વચ્ચે લગભગ 55 સ્થળો પર એવા ભાગો વિકસીત કરવામાં આવી રહ્યાં છે, જયાં ફાઈટર પ્લેનને સરળતાથી ઉતારી શકાય. અલીપુરથી દૌસા સુધી લગભગ 293 કિલોમીટરના ભાગમાં લગભગ 10 આવા ભાગો છે, જયાં ફાઈટર પ્લેન સરળતાથી ઉતારી શકાય છે. અલીપુરથી દૌસા સુધીનો ભાગ શરૂ થતા પહેલા રોડ રનવેના રૂપમાં ટ્રાયલ કરવામાં આવી શકે છે, તેનો આ ભાગ એકદમ તૈયાર છે, તેને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરીટી (એનએચએઆઈ) એ પોતાના તરફથી બધી તૈયારી કરી લીધી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને પોતાની તૈયારીઓની જાણ કરી દેવાઈ છે. હવે માત્ર ત્યાંથી મંજુરીની રાહ જોવાઈ રહી છે. જાણવા મળતી માહિતી મુજબ તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. માનવામાં આવે છે કે દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નું લોકાર્પણ અને જંગલ સફારીનો શિલાન્યાસ એક જ દિવસે થઈ શકે છે. વડાપ્રધાન મોદી લોકાર્પણ અને શિલાન્યાસ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કેટલાક વર્ષ પહેલા જ રોડ રનવેને ગંભીરતાથી લેવાય છે અને તેના પર કામ શરૂ થયું છે, જયારે અમેરિકા, ચીન, જર્મની, પાકિસ્તાન, તાઈવાન, સ્વીડન, પોલેન્ડ, સિંગાપોરમાં પહેલાથી જ રોડ રનવે છે. ભારતમાં કેટલાક વર્ષ પહેલા આગ્રા-લખનૌ એકસપ્રેસ વે પર ફાઈટર ફલાઈટ ઉતારાયુ હતું. દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે ને રોડ રનવે તરીકે ઉપયોગમાં લેવાશે.