નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ( PFI ) ના બીજા ક્રમના નેતાઓને નિશાન બનાવીને ગુરુવારે વહેલી સવારે કેરળમાં 56 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ દરોડા પીએફઆઈના નેતાઓની સંગઠનને કોઈ અન્ય નામથી ફરીથી ગોઠવવાની યોજનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. એર્નાકુલમમાં પીએફઆઈના નેતાઓ સાથે જોડાયેલ આઠ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે તિરુવનંતપુરમમાં છ જગ્યાઓ NIA ના રડાર પર હતી. NIA એ આ દરોડા સવારે 4 વાગ્યે શરૂ કર્યા હતા.
PFI ની રચના 2006માં કેરળમાં થઈ હતી અને તેણે 2009માં એક રાજકીય મોરચો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા ની પણ રચના કરી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ ગયા મહિને નવેમ્બરમાં કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ( PFI )ના ત્રણ સ્થળો પર પણ સર્ચ કર્યું હતું. આ દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પીએફઆઈ ના ગુનાહિત કાવતરાથી સંબંધિત કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર NIA ના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં શંકાસ્પદ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડિજિટલ સાધનો અને દસ્તાવેજો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. આ પહેલા 22 સપ્ટેમ્બરે દેશભરમાં 39 સ્થળોએ PFI બેઝ સર્ચ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.