નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ ૬ થી ૮ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે ૧૦- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે, જેને જોતા વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃતિઓ માટે શાળાના સમયના ૧૦ દિવસ અથવા તો ૬૦ કલાક ફાળવવામાં આવશે.જેમાં સત્રના પ્રથમ ભાગમાં ૫ દિવસ અને સત્રના બીજા ભાગમાં ૫ દિવસ આમ 10 દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. પ્રારંભિક તબક્કે જાન્યુઆરી – ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની ૪૯૧ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ૧૦-બેંગલેસ ડેનો અમલ શરૂ કરવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી, ૨૦૨૩ અંત સુધીમાં ૧૦૦૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ૧૦-બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ – રૂ. ૧૫,૦૦૦/- એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું મંત્રી શ્રીએ જણાવ્યું હતુ.
અન્નપૂર્ણા યોજના: અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ 29 કેન્દ્રો
આજથી રાજ્યના બે શહેરોમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અન્નપૂર્ણા યોજનાના 29 કેન્દ્રો ખુલશે. અગાઉ ઓક્ટોબરમાં મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. આ યોજના થકી શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે ભોજન મળશે. તમને જણાવી દઇએ કે આ યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં પણ વધુ 60 કેન્દ્રો ખોલવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.
મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને તારીખ 29-12-2022 એટલે કે આજથી વધુ નવા 29 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે.