પર્યાવરણ સામે સૌથી મોટી સમસ્યા ફોસીલ-ફયુલ એટલે કે ક્રુડતેલની છે જેમાંથી ઉત્પાદીત થતા પેટ્રોલ-ડિઝલ એ હવાના પ્રદૂષણની સૌથી મોટી સમસ્યા સર્જે છે તો હવે તેના વિકલ્પમાં ‘હાઈડ્રોજન’ને એક ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં ભારતે જબરી પહેલ કરી છે પણ તબકકાવાર ઘરમાં ઈંધણ તરીકે પણ કુદરતી ગેસ અને ગ્રીન હાઈડ્રોજન બ્લેન્ડેડ- ગેસ મળી રહેશે અને આ પ્રયોગ સૌ પ્રથમ ગુજરાતથી થઈ રહ્યો છે.
ગુજરાત એ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે અને દેશનું સૌથી મોટું ગ્રીન-હાઈડ્રોજન ઉત્પાદક રાજય બની રહેશે જેના માટે ગુજરાત ગેસ જે દેશની નંબર-વન ગેસ કંપની બની રહી છે તેણે હવે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન સાથે હાથ મિલાવી દેશનો પ્રથમ ગ્રીન-હાઈડ્રોજન પ્રોજેકટ શરુ કરવા તૈયારી કરી છે.
ગુજરાત ગેસ એ દેશમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ખાતે નંબર વન કંપની છે જે હવે પર્યાવરણ માટે વધુ સાનુકુળ બ્લેન્ડેડ-નેચરલ ગેસ પુરો પાડવા જઈ રહી છે. હઝીરા ખાતે દેશનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લેન્ડેડ પ્રોજેકટ પણ ચાલુ કર્યા છે જેમાં પ્રથમ સુરતના આદિત્યનગરના કેપાસ ટાઉનશીપને ગ્રીન હાઈડ્રોજન અને કુદરતી ગેસના મિશ્રણ સમાન ગેસ પુરો પાડશે અને તે પ્રયોગ સફળ થાય તો પુરા સુરત અને બાદમાં તે આગળ વધારાશે.
જેમાં હાલ જે કુદરતી ગેસ ગુજરાત ગેસ પુરો પાડે છે તેની સાથે 20% ગ્રીન હાઈડ્રોજન મિશ્રણ કરાશે. હાલ 5% મિશ્રીત થાય છે તે તબકકાવાર વધારાશે જેના કારણે ભારતનું હાઈડ્રોકાર્બન આયાત બિલ ઘટશે.રાજય સરકારે 7.75 લાખ એકર જમીન ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ માટે ફાળવી છે. ગુજરાતમાં બંદર અને માર્ગ સુવિધા વિશ્ર્વ કક્ષાની છે જેનાથી એનર્જીનો એક નવો સ્ત્રોત પણ ભવિષ્યમાં વાહન વિ.માં ઉપયોગી બનશે.