ભાવનગરના ભાલના કોટડા ગામમાં રહેતી પરિણીતાએ તેના પતિ,સાસુ,સસરા અને દિયરના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ તેની દીકરીના સાસરિયા વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.દીકરીના મૃત્યુના સમાચાર કેમ ન આપ્યા તેવું પૂછતા જમાઈ સહિતનાએ ઝઘડો કરી ધરીયું લઈને મારવા દોડ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાલના કોટડા ગામમાં રહેતા લાખુબેન નિતેશભાઈ પરમાર (ઉ.વ.૨૭) એ ગઈકાલે તેના પતિ નિતેશ,સાસુ લાલીતાબેન,સસરા પ્રવીણભાઈ અને દિયર ગણપતભાઈના શારીરિક,માનસિક ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં તેના પિતા માધુભાઈ દિલાભાઈ મકવાણા રહે.ગગાવાડા, તા.જી.ભાવનગર તેમનું મોટરસાઇકલ લઈને કોટડા જવા રવાના થયા હતા ત્યારે ગામના પાટિયા પાસે પીકઅપ વાહનમાં લાખુબેનનો મૃતદેહ લઈને તેના સાસરિયાઓ ભાવનગર તરફથી આવતા હોય,તેમને અટકાવીને માધુભાઈએ દીકરીના મૃત્યુ અંગે પૂછતા તેનો જમાઈ સહિતના ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી જમાઈ નિતેશ ધરીયું લઈને મારવા દોડ્યો હતો,જા કે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને મધુભાઈને બચાવ્યા હતા.બાદમાં માધુભાઈ અને તેના સંબંધીઓ લાખુબેનના મૃતદેહને પી.એમ.કરાવવા માટે ભાવનગર હોÂસ્પટલ લાવ્યા હતા.
આ બનાવ અંગે મૃતક લાખુબેનના પિતા માધુભાઈ મકવાણાએ તેની દીકરીના પતિ નિતેશ પ્રવીણભાઈ પરમાર,સાસુ લાલીતાબેન,સસરા પ્રવીણભાઈ સામતભાઈ પરમાર અને દિયર ગણપત પરમાર વિરૂદ્ધ તેની દીકરીને શારીરિક, માનસિક ત્રાસ આપી અવારનવાર દહેજની માંગણી કરી મારવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.