લીંબડી એડિશનલ ડિસ્ટ્રીક્ટ મહિલા જજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં ફેબ્રુઆરી 2018માં પુત્રની હત્યા કરનાર સાવકી માતાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા 27 લોકોની જુબાનીના આધારે આજીવન કેદની સજા ફટકારી છે.
સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા શાંતિલાલ પરમારે પ્રથમ પત્ની ડીમ્પલબેનના અવસાન બાદ અમદાવાદની જીનલબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. શાંતિલાલ પરમારને પ્રથમ પત્નીથી થયેલો પુત્ર ભદ્ર હતો. જ્યારે જીનલબેનને પણ અગાઉ કરેલા લગ્નથી થયેલી પુત્રી હતી. લગ્નબાદ સાવકી માતા જીનલબેન શાંતીલાલના પુત્ર ભદ્રને સારી રીતે રાખતા પછી પતિની પ્રોપર્ટી બાળક ભદ્રને મળશે અને તેમની પુત્રીને નહીં મળે તેમ વિચારી ભદ્ર પ્રત્યે ધ્રુણા કરવા લાગ્યા હતા.
06 ફેબ્રુઆરી, 2018ના રોજ તેમણે સહેજ પણ અચકાયા વિના 7 વર્ષીય ભદ્રનું મોં હાથ પગ બાંધી દઇ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો. માસુમ બાળકનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતું. જે બાદ તેઓએ ‘ભદ્ર ખોવાઇ ગયો’નું નાટક શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ શાંતિલાલના ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી આ બેગ મળી આવી હતી. જે બાદ બેગની ચાવી ન મળતા પોલીસકર્મીઓએ બેગના તાળાને તોડી જોતા અંદરથી મૃત હાલતમાં ભદ્ર મળી આવ્યો હતો. જે બાદ પોલીસની પૂછપરછમાં જીનલબેન પોપટની જેમ કબૂલાતો કરી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસે જીનલબેન સામે હત્યાનો ગુનો નોંધી જેલના હવાલે કરવામાં આવ્યા હતી.
એપ્રિલ 2018 સુધી આ કેસ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચલાવાયો હતો, પરંતુ જેલમાં મુદત સમયે સૌકોઇ તેમની સામે તીરસ્કારની નજરે જોતા હોવાથી સુરેન્દ્રનગર કોર્ટમાં જીવનું જોખમ હોવાનું કહી જીનલબેને હાઈકોર્ટની મંજૂરીથી લીંબડીની કોર્ટમાં 29-8-2018ના રોજ કેસ ટ્રાન્સફર કરાવ્યો હતો. આ કેસ લીંબડીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ જજ મમતા કિશનભાઇ ચૌહાણ દ્વારા હત્યા કર્યા અંગેની પોલીસ તપાસની વિગતો, મૃતક ભદ્રના પીએમ રીપોર્ટ, તથા 27 લોકોની જુબાની લઈ આરોપી જીનલ પરમારને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે રૂ.5 હજાર દંડ ફટકાર્યો છે






