આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં બજેટની તૈયારી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ સાથે G-20 બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનથી લઇને રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમ અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં વ્યાજખોરોનો પણ મુદ્દો આવરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોના ત્રાસની ઘટના અવારનવાર સામે આવતી રહે છે,બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારના માળો પિંખાઈ ગયા છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા પણ મજબૂર થવું પડ્યું છે. ત્યારે રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલતી ડ્રાઈવ દરમિયાન અમદાવાદ પોલીસે બેફામ વ્યાજ વસુલતા શખ્સો સામે અનેક ગુનાઓ નોંધ્યા છે. વ્યાજખોરો સામે લોકદરબાર યોજી શહેરના સેટેલાઇટ, ઇસનપુર, ઓઢવ, ચાંદખેડામાં ડ્રાઇવ દરમિયાન 53 નવી અરજીઓ આવી હતી.આ દરમિયાન ઓઢવમાં અધિકારીઓને મળ્યા વગર માત્ર ફોન પર રજુઆત કરી હતી. જેમાં પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે હજુ સુધી એક પણ આરોપીઓ પોલીસ ઝપટે ચડ્યા નથી. હજુ પણ વ્યાજખોરનો ભોગ બનેલા લોકો આગળ આવે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.