સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ જીએસટી અધિકારીના સ્વાંગમાં 7.60 લાખ રૂપિયાની સોપારી બળજબરી પૂર્વક ફરિયાદી પાસેથી કઢાવી લઈ ભાગી જનારા 3ને ઇસ્મોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.તારીખ 4 જાન્યુઆરી 2023 ના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે આવેલા મહાદેવના મંદિરની પાછળના ભાગમાં 4 અજાણ્યા ઈમોએ એક ટેમ્પો ઉભો રાખી પોતે રાજ્ય સરકારના કર્મચારી હોવાની ખોટી ઓળખ ઉભી કરીને ટેમ્પોમાંથી સોપારીની 37 બોરી બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી કઢાવી લીધી હતી અને આ મુદ્દામાલની કિંમત 7,59,622 થાય છે.
આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ટેકનીકલ સર્વેલાન્સના માધ્યમથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.પોલીસે બાતમીના આધારે આરોપી અવિનાશ ચૌહાણ, મિલન ડાભી અને મિલન સરપદડિયાની ધરપકડ કરી છે. આ તમામ ઈસમોની ધરપકડ સરથાણાના વાલક પાટીયા પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર તરફ જતા રોડ પરથી કરાય છે. તેમની પાસેથી 18 સોપારીની બોરી જપ્ત કરવામાં આવી છે જેની કિંમત 3,59,000 થાય છે. આ ઉપરાંત એક મોટરસાયકલ અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગુનાનો માસ્ટર માઈન્ડ કૌશિક પાઘડાળ છે. જો કે, તેને હજુ વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીત પોલીસે હાથ ધરી છે. આરોપી કૌશિક સાથે મળીને આ ત્રણેય આરોપીઓએ ઘટનાના દિવસે સોપારી ભરેલા ટેમ્પાને રસ્તામાં રોકી ટેમ્પાના ચાલકને જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી અને ત્યારબાદ ટેમ્પામાંથી સોપારીની 37 બોરી અન્ય ટેમ્પામાં મૂકી દીધી હતી. જે તે સમયે સોપારીની 19 બોરી વોન્ટેડ આરોપી કૌશિક પોતાની સાથે લઈ ગયો હતો અને બીજી અન્ય 18 સોપારીની બોરી આરોપીઓને આપી હતી અને તેઓ આ સોપારીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા હતા ત્યારે આરોપીઓ ઝડપાયા. વોન્ટેડ આરોપી કૌશિક પાઘડા સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો, ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો, જૂનાગઢના માણાવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો અને સાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.