શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને લઈ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ શાહરુખ ખાનના ફેન્સ આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ એક જૂથ એવું પણ છે જે કટ્ટરતાથી આ ફિલ્મનો વિરોધ કરી રહ્યું છે. પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપનાર વ્યક્તિ હવે પોલીસ એક્શનમાં આવી છે. સન્ની શાહ નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતો એક વિડીયો અપલોડ કર્યો હતો અને હાલ આ વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાઇ છે.
હિન્દુ રક્ત પરિષદ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કરણી સેના કરણી સેના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ ઉર્ફ તાઉજી દ્વારા ગુજરાતનાં તમામ થિયેટર માલિકો ને ચેતવણી આપવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો દ્વારા પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતા કહ્યું હતું કે, ‘ હું ગુજરાત રાજ્યના તમામ થિયેટર માલિકોને કહેવા માંગુ છું કે જો પઠાણ ફિલ્મ તમે તમારા થિયેટરમાં લગાવી કે તેનું પોસ્ટર પણ દેખાયું તો તમારા થિયેટરની અંદર તોડ-ફોડ થાય, બેનરો તૂટે, ખુરશીઓ તૂટે કે તમારું થિયેટર સળગે. તેની જવાબદારી તમારી રહેશે.હાલ પોલીસે પઠાણ ફિલ્મની લઈને ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ વાતાવરણ ડહોળવાના પ્રયાસને લઈને ફરિયાદ નોંધી છે.
ગૃહ રાજ્યમંત્રીએ થિયેટરોને સુરક્ષા આપવાની ખાતરી આપી
રિલીઝ પહેલા પઠાણ ફિલ્મને લઈ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ફિલ્મને રીલિઝ કરવાને લઈ થિયેટર માલિકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલીઝ થવાની છે. જેથી થિયેટર માલિકોએ પઠાણ ફિલ્મને લઈ થિયટરને સુરક્ષા પુરી પાડવા માટે રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત બાદ મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગૃહ રાજ્યમંત્રીએ થિયેટરોને સુરક્ષા આપવાની ખાતરી આપી છે.