ભાવનગરના ચિત્રા જી.આઇ.ડી.સી. માં આવેલ એક સાથે બે કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ. પોણા ચાર લાખ રોકડાની ચોરી કરી પલાયન થઈ જતા બોરતળાવ પોલીસ જી.આઇ.ડી.સી. દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
ચોરીની આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ઇસ્કોન મેગાસીટમાં આવેલ વ્રજ ટાઉનશિપમાં રહેતા પિયુષભાઈ ભવાનભાઈ કંસારા ( ઉં.વ.૪૨ ) ના ચિત્રા જી.આઇ.ડી.સી. પ્લોટ નં. ૨૩૩ માં આવેલ પુષ્પમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામના પ્લાસ્ટિકના કાપડ બનાવવાના કારખાનામાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના દરવાજા તોડી ઓફિસમાં રાખેલ ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રાખેલા રૂ. ૨.૬૫ લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે કારખાનામાં સિક્યુરિટી તરીકે કામ કરતા રામજીભાઈએ વહેલી સવારે જાણ કરતા પિયુષભાઈ કારખાને દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઉપરાંત પિયુષભાઈના કારખાના નજીક આવેલ વિશાલભાઈ જગદીશભાઈ દોશીની માલિકીના જય ખોડીયાર મીનરલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને કારખાનામાં રાખેલ કબાટ તથા તિજાેરીના લોક તોડી રૂ. ૧.૧૦ લાખ રોકડાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ચોરીની આ ઘટના અંગે પિયુષભાઈ કંસારાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.