ભાવનગરના આંબચોક નજીક આવેલ ગોળબજારની સિંધી માર્કેટમાં કાપડની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને કાપડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં વેપારીઓ એકઠા થઇ ગયા હતા.
ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાતિલ ઠંડીનો તસ્કરો જાણે કે લાભ લઈ રહ્યા હોય તેમ ગઈ કાલે શહેરના ચિત્રા, જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બે કારખાનામાં ચોરીની ઘટનાના ગણતરીના કલાકોમાં જ શહેરની મુખ્ય બજારમાં આવેલ કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને દુકાનના તાળા તોડી કાપડ સહિતના સામાનની ચોરી કરી ગયા હતા.
આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ શહેરના આંબાચોક નજીક ગોળ બજારમાં આવેલ સિંધી માર્કેટમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને માર્કેટમાં આવેલ ભારમલ ટ્રેડિંગ નામની કપડાની દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રાખેલ કાપડ, ટીશર્ટ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સવારે માર્કેટ ખુલ્લી ત્યારે ચોરી થયાની જાણ થતા વેપારીઓ એકઠા થઈ ગયા હતા. ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચોરીની આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ચોરીની આ ઘટનામાં કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તે પોલીસ ફરિયાદ થયા બાદ બહાર આવશે.