ભાવનગર શહેર અને જિલ્લામાં શિયાળાની સિઝનની કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે છેલ્લા બે દિવસથી તાપમાનમાં અઢી ડિગ્રી જેટલો ઘટાડો થવા પામ્યો છે અને ફરીથી રાત્રિનું તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. અને હજુ ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે દિલ્હી, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો દર શરૂ થયો છે જેની અસર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના શહેરોમાં થઈ રહી છે છેલ્લા બે દિવસથી શિયાળની સિઝનની ઠંડીનો ત્રીજાે રાઉન્ડ શરૂ થયો હોય તેમ ઉત્તર પૂર્વ તરફથી ફુકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે રાત્રિનું તાપમાન ઘટવા લાગ્યું છે ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં અઢી ડીગ્રી જેટલો ઘટાડો થયો છે અને ફરી રાત્રિનું તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો નલિયામાં તાપમાનનો પારો ફરીથી ૫.૫ ડિગ્રીએ પહોંચી ગયો છે અને મોટાભાગના શહેરોમાં રાત્રિનું તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી રહેવા પમ્યુ છે અને હજુ ત્રણ-ચાર દિવસ સુધી ઠંડીનો કહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.






