ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીની સિઝન અત્યારે મધ્યમાં પહોંચી છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને અત્યારે હાલ ખેડૂતો ડુંગળીનો ઉતારો કરી વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લઈ જઈ રહ્યા છે જેના પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ઉપરાંત મહુવા, તળાજા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી ૮૦ હજારથી એક લાખ બોરી જેટલી ડુંગળીની આવક થઈ રહી છે જેમાં ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક બે લાખ બોરી ડુંગળીની આવક થઈ હતી ખેડૂતો પોતાની ઉત્પાદન કરેલી ડુંગળીનું વેચાણ કરવા માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા હતા જેના પરિણામે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બે લાખ બોરીની આવક થતા સર્વત્ર ડુંગળીના થેલા જ નજરે ચડતા હતા. ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં ૮૦ હજારથી વધુ બોરીનું વેચાણ થવા પામ્યું હતું જ્યારે આજે 70 હજારથી વધુ બોરી વેચાય હોય બે દિવસમાં દોઢ લાખથી વધુ બોરીનું વેચાણ થયું હતું. જોકે ગઈકાલે ડુંગળીની મબલખ આવક થઈ હોય ખેડૂતોને નવી ડુંગળી લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી આવતીકાલે તારીખ 26 જાન્યુઆરીના રોજ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું હોય આથી પણ ખેડૂતોને પોતાની જણસ સલામત રહે તે માટે માર્કેટીંગ યાર્ડમાં ન લાવવા સૂચના અપાય હતી. હવે ડુંગળીની નવી આવક શનિવાર થી લાવવા ખેડૂતોને સૂચના અપાય છે છેલ્લા બે દિવસથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં થઈ રહેલી હરાજીમાં ખેડૂતોને વક્કલ પ્રમાણે રૂપિયા 100 થી લઈને 280 સુધીનો ભાવ મળી રહ્યો છે જોકે ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી પણ દેખાઈ રહી છે. ભાવનગર ઉપરાંત તળાજા અને મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની મબલખ આવક થઈ છે અને યાર્ડ છલકાઈ જવા પામ્યા છે.