વન-ડે શ્રેણીમાં ક્લિન સ્વિપ કરીને આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાનો સામનો કરતા પહેલાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આજથી શરૂ થનારી ત્રણ ટી-20 મેચોની શ્રેણીમાં પોતાનું વિજય અભિયાન યથાવત રાખવા માટે ઉતરશે. આ વર્ષે વન-ડે વિશ્વકપ રમાવાનો છે આવામાં ભારતીય ટીમે વન-ડે મેચ વધુ રમવાની છે. જો કે તે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આ શ્રેણીથી આગલા વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે પોતાની પ્રારંભીક તૈયારીઓને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.
ભારતની ટી-20 ટીમને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં અનેક સિનિયર ખેલાડીઓને જગ્યા મળી નથી. આ ટીમે તાજેતરમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. હવે હાર્દિકની નજર ઘરમાં સળંગ બીજી શ્રેણી જીત ઉપર ટકેલી છે. ભારતનો દારોમદાર હાર્દિક, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ ઉપર રહેશે. આ ખેલાડીઓ ત્યારબાદ બે ફેબ્રુઆરીએ ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે નાગપુરમાં યોજાનારી શિબિરમાં ભાગ લેશે.
ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી પૃથ્વી શોની ટી-20માં વાપસી થઈ છે પરંતુ તેને આજની મેચમાં તક મળશે નહીં તેવી હાર્દિક પંડ્યાએ ગઈકાલે જ ચોખવટ કરી દીધી છે. બીજી બાજુ ગીલ અત્યારે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. ખાસ કરીને વન-ડેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાછલી ચાર ઈનિંગમાં ત્રણ સદી તેણે બનાવી છે. પંજાબનો આ ઓપનિંગ બેટર ટી-20માં પણ પોતાના આ ફોર્મને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. સૂર્યકુમાર વન-ડે શ્રેણીમાં સારું પ્રદર્શન ન કરી શકવાની ભરપાઈ ટી-20માં કરવા માંગશે.
ભારતને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ખાસ ધ્યાન આપવું પડશે. પેસર અર્શદીપ સિંહ શ્રીલંકા વિરુદ્ધ શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. યુવા બોલર શિવમ માવીએ પોતાની પહેલી જ મેચમાં ચાર વિકેટ લીધી હતી એટલા માટે તે ઉમરાન મલિક સાથે મળીને ખતરનાક જોડી બનાવી શકે છે.પાછલી વન-ડેમાં કુલદીપ અને ચાહલને લાંબા સમય બાદ સાથે રમવાની તક મળી હતી પરંતુ ટી-20માં કોઈ એકને જ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે અને તેમાં કુલદીપ યાદવનું પલડું ભારે છે.