કોરોના મહામારી બાદ ભારતનું અર્થતંત્ર જેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત સરકારે નીતિઓમાં કરેલા સુધારાની અસર હાલ તો અર્થતંત્ર પર પડી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. મહત્વનું છે કે, આ વર્ષે જ વિશ્વ બેંકે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકાથી 6.9 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનવાની રાહ પર હોય તેવું લાગી રહ્યુ છે.
વર્તમાન નાણાંકીય વર્ષમાં વિશ્વ બેંક દ્વારા ભારતના વૃદ્ધિ દરમાં જે અનુમાન કરવામાં આવ્યું છે. તેમાં ભારત સરકારે નીતિઓમાં કરેલા સુધારની અસર થયાની પુષ્ટિ કરાઈ રહી છે. અન્ય દેશોની તુલનામાં સમગ્ર વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી વધી રહી છે. વિશ્વ બેંકના અંદાજ મુજબ ભારતમાં કોરોના મહામારી બાદ સફળતાનો દોર ચાલુ થયો છે. ભારતનું અર્થ તંત્ર આ જ રીતે ચાલશે તો એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે ભારતને ગણી શકાશે. ભારતમાં વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર ઓગસ્ત તાનો કુઆમેએ નોંધપાત્ર રીતે સ્થિતિ સ્થાપક અર્થતંત્ર માટે ભારતના મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સને શ્રેય આપ્યો છે.
સરકારના અંદાજ મુજબ દેશમાં નાણાકીય વર્ષ 2022-2023માં 7 ટકાની વૃદ્ધિ નોંધાઈ શકે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિશ્વના ઘણા દેશો પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા છે તે ધ્યાનમાં લેતા આ કોઈ નાની સિદ્ધિ નથી. દેશની નજીવી જીડીપીમાં પણ 15.4 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
અર્થશાસ્ત્રીઓનું શુ કહેવું છે ?
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, સરકારના નીતિ સુધારા પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) અને પીએમ ગતિ શક્તિ યોજના ભારતના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ અને તેના સાનુકૂળ પરિણામો હાંસલ થઈ શકે છે. લેખક અને રોકાણકાર હર્ષ મધુસુદન કહે છે કે, ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહક ઉત્પાદન નિકાસ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં કોઈ શંકા નથી કે વિશ્વના કેન્દ્રિત પ્રદેશમાંથી ભારતમાં અને અન્યત્ર ઉત્પાદનના સ્થળાંતરનો આ એક મોટો હિસ્સો હશે અને ભારત આવી નીતિઓનો મુખ્ય લાભાર્થી હશે.