ભાવનગર મહાપાલિકાના સીટી એન્જિનિયર પદનો ચાર્જ ડ્રેનેજ અધિકારી જે.પી. ચુડાસમાને સુપ્રત કરાયો હતો પરંતુ કાર્યદક્ષતા સામે સવાલ થતાં તાત્કાલિક અસરથી કમિશનરે ચાર્જ પરત લઈ વોટર વર્કસ વિભાગના ઇજનેર સી.સી.દેવમુરારીને સોંપ્યો છે, ચુડાસમા સિનિયર હોવાથી તેઓ હવે દ્રેનેજની કામગીરી સીટી એન્જીનીયરના બદલે ડે.કમિશનરનાં નિયંત્રણ તળે કરશે.
કોર્પોરેશનના સીટી એન્જિનિયરના ચાર્જનો વિવાદ છેલ્લા ઘણા સમયથી શરૂ છે. સીટી એન્જિનિયરનો ચાર્જને લઈને સિનિયોરીટી તેમજ લાયકાતના પણ વિવાદો ઉભા થયા હતા. અંતે ડ્રેનેજના કાર્યપાલક ઇજનેર ચુડાસમાને સીટી એન્જિનિયરનો વધારાનો હવાલો સોપાયો હતો. પરંતુ સીટી એન્જિનિયર તરીકે કામગીરીમાં નબળાઈ હોવાનું સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દ્વારા જાહેર કરી ત્રુટીઓ પણ દેખાડી નબળી કામગીરી સંદર્ભે ખખડાવ્યા પણ હતા.
આથી મોડી સાંજે કમિશનર દ્વારા સીટી એન્જિનિયરની જગ્યાનો વધારાનો હવાલો પી.જે. ચુડાસમા પાસેથી લઈ વોટર વર્કસ ઈજનેર સી.સી.દેવમુરારીને સોપવા તેમજ ડ્રેનેજ વિભાગની કામગીરીની દેખરેખ નાયબ કમિશનર એડમીનને સોંપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગરનો વિસ્તાર અને વસ્તાર બંને વધ્યો ત્યારે ભાવનગરમાં હવે ત્રણ સીટી એન્જિનિયરની જરૂર છે. આ માટે મહાપાલિકાના જનરલ બોર્ડે ઠરાવ કરીને નિમણૂક માટે સરકારમાં પ્રકરણ મોકલેલું છે પરંતુ આગળની કોઈ કાર્યવાહી થઈ રહી નથી. બીજી બાજુ સીટી એન્જિનિયરની કાયમી નિમણૂક માટે પણ રાજય સરકારમાંથી બાબત નજર અંદાજ થઈ રહી છે આ કારણે છેલ્લા એકાદ વર્ષથી ઇન્ચાર્જ અધિકારીથી ગાડું ગબડાવવામાં આવે છે.
સીટી એન્જિનિયર પદ કી-પોસ્ટ ગણાય છે પરંતુ એસ.જે. ચંદારાણા નિવૃત્ત થયા બાદ વિજય પંડિત, એમ.આર. કુકડીયા, સુરેશ ગોધ, એમ. ડી મકવાણા અને બાદમાં ચુડાસમાં અને હવે સી.સી. દેવમુરારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. કાયમી સીટી એન્જિનિયરની નિમણૂક નહીં થવાથી વિકાસના કામોને પણ ઘેરી અસર થઈ રહી છે, આ ઉપરાંત બે એડિશનલ સીટી એન્જિનિયરની જગ્યા પણ મંજૂર નહીં થતા ભાવનગરના શાસકોનો ગાંધીનગરમાં ગજ વાગતો નહીં હોવાનું લાગી રહ્યું છે.!