ભાવનગરમાં પાલિકા દ્વારા ગઈકાલે રાત્રે ઓપરેશન દબાણ હટાવ હાથ ધરાતા આજે સવારે કામગીરી બંધ રહી હતી. જોકે, કમિશનર ઉપાધ્યાય રાબેતા મુજબ સવારમાં રાઉન્ડમાં નીકળ્યા હતા જેમાં આજે ઘોઘા સર્કલ વિસ્તારમાં ત્રણ વેપારી યુનિટ પ્રતિબંધ પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવવાની બાબતે તંત્રની ઝપટે ચડતા રૂ. 25,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. દંડ ભરવા એક વેપારીએ આનાકાની કરતા કમિશનરે યુનિટને સિલ મારવા સુધીની કાર્યવાહી માટે તૈયારી દેખાડતા આખરે વેપારીએ દંડ ભરી દીધો હતો.!
મહાપાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઘોઘાસર્કલમાં આવેલ નામાંકિત મશહૂર પાર્લરમાં કમિશનરે તપાસ કરતા આ યુનિટ દ્વારા ગંદકી ફેલાવાતી હોવાનું ધ્યાને આવ્યું હતું, આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થતો હોવાનું જણાવlતા રૂપિયા 10 હજારનો દંડ કર્યો હતો. જેમાં પાર્લર સંચાલકે રકમ બહુ મોટી હોવાનું જણાવતા કમિશનરે પાર્લરને સીલ કરવા તૈયારી દેખાડી હતી.
સિંધી સમાજના અગ્રણીને દંડ થતો રોકવા બે કોર્પોરેટર દોડી ગયા પણ…..
દિવસ પૂર્વે ખાઉ ગલીમાં અમરલાલ બેકરી એ ગેરકાયદે ઉભો કરેલ શેડ તંત્રએ હટાવ્યો હતો. આ જ વેપારી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું કમિશનરના ધ્યાને આવતા 5,000 નો દંડ કર્યો હતો , આ જ માલિકની બાજુમાં આવેલી શોપ રેડ સ્ક્વેરમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું કમિશનરની તપાસમાં જણાતા તેને પણ રૂપિયા 5000નો દંડ કર્યો હતો. આ વેપારી સિંધી સમાજના અગ્રણી હોવાથી સમાજના નાતે ભાજપના નગરસેવક કિશોર ગુરૂમુખાણી અને અને દિલીપ જોબનપુત્રાએ દોડી આવી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગમાં રહેલી વિસંગતતા આગળ ધરી દંડ નહીં વસૂલવા કમિશનરને રજૂઆત કરી હતી, જેથી કમિશનરે જરૂર પડે જીપીસીબીનું માર્ગદર્શન લઈશું તેમ જણાવ્યું હતું. જોકે, રૂપિયા 10,000 નો દંડ સ્થળ પર જ વસુલવામાં આવ્યો હતો. આમ બંને કોર્પોરેટરની કારી કામ આવી ન હતી.! ઘોઘાસર્કલના પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ રોહન ફાસ્ટ ફૂડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ત્યાંથી પણ જથ્થો કબજે લઈ 5,000 નો દંડ વસુલવામાં આવ્યો હતો, આજની કામગીરી દરમિયાન મશહુર પાર્લર દ્વારા ઉભો કરાયેલો શેડ પણ કમિશનરના ધ્યાને આવતા જેની કાયદેસરતા અંગે તપાસ કરવા સંબંધીત વિભાગને સૂચના આપી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.
ફ્રૂટના ગોડાઉનનો દંડ નહિ ભરતા સિલ કરી દેવાયુ, તંત્રએ કોર્પોરેટરરની રજૂઆત માન્ય ન રાખી
શહેરની ફ્રુટ માર્કેટમાં આવેલ એક ફ્રુટના ગોડાઉન ધારકને ડસ્ટબીન નહિ રાખી ગંદકી ફેલાવવા બદલ રૂ 2500 દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ વેપારીએ આનાકાની કરી દંડ નહિ ભરેલ જયારે કોર્પોરેટર કિશોર ગુરુમુખાની એ પણ વેપારીની તરફદારી કરી કચરો અન્ય કોઈનો હોવાનું જણાવી દંડ નહિ કરવા રજૂઆત કરેલ. વાત તંતે ચડતા ગોડાઉન ધારકે દંડ ભરેલ નહિ, આથી મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગે ગોડાઉન સિલ કર્યું હતું. બીજા દિવસે વેપારીએ દંડ ભરી દેતા તંત્રએ પંચરોજકામ કરી સીલ ખોલી આપ્યા હતા.
મોખડાજી સર્કલ, આંબાવાડી, વિદ્યાનગરમાથી 50 પશુઓ ડબ્બે પૂર્યા
મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયની સૂચના અને સીધી દેખરેખ તળે આજે મંગળવારે પશુ ત્રાસ નિયંત્રણ વિભાગ દ્વારા મોખડાજી સર્કલ, આંબાવાડી અને વિદ્યાનગરમાંથી 50 જેટલા રખડતા પશુને ડબ્બે પુરવામાં આવ્યા હતા.