ભાવનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની અમલવારી મામલે કિનારે રહીને છબછબીયા કરતું મ્યુ. તંત્ર પ્રથમ વખત ઉંડા પાણીમાં ઉતર્યું છે અને મગરમચ્છ પકડી લાવ્યું છે. ગુરૂવારે બપોર બાદ ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી લેવાઇ હતી જે મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. કમિશનર ઉપાધ્યાયની કડક સુચના અને પરિણામલક્ષી કામગીરી કરવા કરેલા ફરમાનના પગલે આખરે મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગે બંદર રોડ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટીકના મસમોટા જથ્થા સાથે તેનું ઉત્પાદન કરતું એક આખે આખુ યુનિટ ઝડપી લીધુ હતું. આ સ્થળેથી અધધધ… ૩૫૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક મળી આવ્યું છે. જાે કે, આ યુનિટ સામે કાર્યવાહી માટે હવે દડો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પટમાં છે કારણ કે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક વેચવા સામે કોર્પોરેશન કાર્યવાહી કરી શકે છે પરંતુ ઉત્પાદન સામે કાર્યવાહી માટે જીપીસીબીના ધારાધોરણ અને માપદંડો લાગુ પડે છે. આ ઉપરાંત જે જથ્થો ઝડપાયો છે તે પણ ઉત્પાદનના ભાગરૂપે જ હોવાનું ગણી કાર્યવાહી માટે જીપીસીબીના પટમાં દડો નખાયો છે !

શહેરના પિરછલ્લા શેરીમાં પ્લાસ્ટીક ડ્રાઇવ દરમિયાન બે દિવસ પૂર્વે તંત્ર અને વેપારીઓ વચ્ચે ચકમક જરી હતી અને આ સમયે એક વેપારીએ ભાવનગરમાં જ પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ઉત્પાદન થઇ રહ્યું છે તેમ કહી તંત્રને પડકાર ફેંક્યો હતો આથી મ્યુ. તંત્રએ આ મામલે આગળ વધી અને તપાસમાં રહી પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉત્પાદન કરતી ફેક્ટરી સુધી પહોંચી ગયું હતું છાપો મારવામાં આવ્યો હતો. આમ મ્યુ. કમિશનરે દાખવેલી કડકાઇ અને પરિણામલક્ષી કામગીરી માટે કરેલા ફરમાન બાદ સોલીડ વેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો હતો અને મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી કામગીરી કરી સપાટો બોલાવ્યો હતો. બાદમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પણ આ કાર્યવાહીમાં જાેડવામાં આવ્યું હતું.
૫૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટીક પર તો લાંબા સમયથી પ્રતિબંધ છે. બાદમાં ફેરફાર કરી ૫૧, ૭૫ અને ૧૨૦ માઇક્રોન પ્લાસ્ટીક વાપરવાનો નિયમ કરાયો છે જેમાં નાકાવાળા ઝબલા-કેરીબેગ ૧૨૦ માઇક્રોન, અન્ય બેગ ૭૫ માઇક્રોન અને પેકેજીંગ વસ્તુ ભરવાની બેગ ૫૧ માઇક્રોનની હોવી જાેઇએ પરંતુ ભાવનગરમાં તો ૩૦ માઇક્રોનના ઝબલાનું ધુમ વેચાણ થઇ રહ્યું છે આથી તંત્ર જ્યારે કાર્યવાહી કરે ત્યારે ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાય અને દંડ વસુલવામાં આવતો હતો પરંતુ અત્યાર સુધી ૫-૧૦ કે ૧૫ કિલો પ્લાસ્ટીક ઝડપી તંત્ર સંતોષ માનતું હતું અથવા તો કહી શકાય કે કાગળ પરની કાર્યવાહી કરતું હતું. પરંતુ ગઇકાલે શહેરના બંદર રોડ પર વૈશાલી ટોકીઝ પાછળ ગીરીશ પારસરામ મુલાણીની માલિકીની ક્રિષ્ના પેપર પેકીંગ તેમજ બાલાજી પોલીમર્સ નામની ફેક્ટરી પર દરોડો કરતા તેમાં ૩૦ માઇક્રોન પ્લાસ્ટીકનું ઉત્પાદન થઇ રહ્યું હતું. આ ઉપરાંત ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૩૫૦૦ કિલોનો જથ્થો પણ પડ્યો હતો. આથી જથ્થો કબ્જે લઇ ફેક્ટરીને સીલ કરવામાં આવેલ. જ્યારે બાજુમાં જ આવેલ બે ગોડાઉન ખોલી આપવામાં ફેક્ટરી માલિકે સહકાર નહીં આપતા તંત્રએ હાલ પોતાના તાળા મારી અને સીલ કર્યાં છે.






