ગુજરાતમાં આવતાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2019 સરખામણીએ વર્ષ 2022માં પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. એટલે કે કોરોના પહેલા ગુજરાતમાં જે પ્રવાસીઓ આવતા હતા તેનાથી બમણો વધારો જોવા મળી રહ્યો છે. આ અંગેની માહિતી રાજ્ય પ્રવાસન વિભાગના સેક્રેટરી હારિત શુક્લાએ આપી છે.
તેમણે જણાવ્યું કે, કોરોના પહેલા વર્ષ 2019માં આવેલા પ્રવાસીઓની સંખ્યા 6 કરોડ જેટલી હતી, જે કોરોના સંક્રમણના બે વર્ષમાં ઘટીને વર્ષ 2020માં 1.94 કરોડ અને વર્ષ 2021માં 2.45 કરોડ જેટલી થઈ ગઈ હતી. જે બાદ હવે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં વર્ષ 2022માં અંદાજે 12 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા છે.
હારિત શુક્લાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળો વધતા ટુરીસ્ટોની સંખ્યા બમણી થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મુખ્ય યાત્રાધામો, સાસણ ગીર, વિવિધ અભ્યારણ્યો અને જંગલ સફારી જેવા નવા ડેસ્ટીનેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે. ભારત સરકારના ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં આવેલા કુલ ટુરિસ્ટોમાં બે લાખ જેટલા વિદેશીઓ હતા, જ્યારે ત્યાર પછીના વર્ષે એટલે કે 2021માં આ સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. કોરોના સંક્રમણના કારણે વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. વર્ષ 2021માં માત્ર 12000 પ્રવાસીઓ જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.