સિહોર તાલુકાના વરલ ગામમાં નજીવી તકરારમાં કાકાને બચાવવા માટે વચ્ચે પડેલી સગીર ભત્રીજીની છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાના પગલે ભાવનગર એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સિહોર પોલીસ કાફલો વરલ ગામ દોડી ગયો હતો અને સગીરાની હત્યામાં સંડોવાયેલા છ ઈસમોને તાત્કાલિક ઝડપી લઇ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શિહોર તાલુકાના વરલ ગામમાં ટાવરનું કામકાજ ચાલુ હોય ગઈકાલે રાત્રીના સમયે આ જ ગામમાં રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેક્ટર લેવા માટે ગયો હતો તે દરમિયાન વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને માથાકૂટ થતા તેની સાથે રહેલા અન્ય શખ્સોએ પણ ઉગ્ર બોલાચાલી કરી હતી, તેમજ આવેશમાં આવી જઈ આરીફે છરી વડે લશ્કરભાઈ ઉપર હુમલો કરવાની કોશિશ કરતા ત્યાં હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની સગીરવયની દીકરી રાધિકાબેન ( ઉં.વ.૧૬ ) બચાવવા માટે વચ્ચે દોડી જતા આરીફે રાધિકાબેનને છરીનો ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાના પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા સિહોર પોલીસ ઉપરાંત ભાવનગરથી એલ.સી.બી. અને એસ.ઓ.જી નો કાફલો વરલ દોડી ગયો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરીફ અલારખભાઈ પાયક, અશરફ ઉર્ફે સૂસો જુસબભાઈ પાયક, અરમાન હારુનભાઈ પાયક, ઇરફાન બાબુભાઈ પાયક,અમીન અહમદભાઈ પાયક અને આદિલ યુનુસભાઈ પાયક રહે.તમામ વરલ,તા.સિહોરને ઝડપી લીધા હતા. હત્યા બાદ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વરલ ગામમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આરોપીઓને તાકીદે ઝડપી લેવા મંત્રી પરશોત્તમભાઇ સોલંકીએ આપી સુચના
વરલ ગામે થયેલી તકરારમાં બહુમત કોળી સમાજની દિકરીની હત્યા થતા ઘટનાની જાણકારી મળતા જ મંત્રી પરશોત્તમભાઇ સોલંકીએ પોલીસ તંત્રને આરોપીઓને તાકીદે ઝડપી લેવા સુચના આપી હતી. તેમજ બનાવ અંગે પરિવારજનોને પણ ન્યાય અપાવવા ખાતરી આપી હતી. તેમ મંત્રી પરશોત્તમભાઇના પી.એ.એ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.