ભાવનગર શહેરમાં રખડતા ઢોર પાંજરે પુરવા કોર્પોરેશને કડક વલણ દાખવ્યું છે ત્યારે પકડાયેલા પશુઓને યેનકેન પ્રકારે છોડાવી લેવા પણ પેતરા થઇ રહ્યા છે. લોકમુખે ચર્ચાતી વિગત મુજબ ઢોરના ડબ્બેથી પશુઓને છોડાવી જવાના પ્રયાસોની ઘટના એકલ-દોકલ નથી ! ગઇકાલે ગુરૂવારે પણ વધુ એક વખત આવો બનાવ બન્યો હતો આ સાથે પથ્થરમારો કરાયાની પણ લોકમુખે ચર્ચા છે. જા કે, સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ અખીલેશ સર્કલમાં આવેલ ઢોરના ડબ્બાના પતરા ખેસવી પશુ છોડાવી જવા પ્રયાસ કરાયો હોવાની વાતને કમિશનરે સમર્થન આપ્યું હતું.

સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના અખીલેશ સર્કલ નજીક ઢોરના ડબ્બામાં પશુઓને રાખવામાં આવ્યા છે જેમાં ગત રાત્રિના સુમારે ચાર-પાંચ લોકોએ આવીને પ્રથમ પથ્થરમારો કર્યો હતો જેથી પશુઓ ડબ્બામાં એકબાજુ એકત્ર થઇ જાય. બાદમાં બે પતરા ખેસવી પશુઓને તેમાંથી કાઢી છોડાવી જવા પ્રયાસ થયો હતો. જા કે, ફરજ પરના ચોકીદારો સતર્ક થઇ જતા અને શખ્સોને ટપારતા તેઓ સ્થળ છોડી ગયેલ. દરમિયાનમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાયે આ વાતને સમર્થન આપી જણાવ્યું હતું કે, આવી ઘટના રોકવા માટે ઢોરના ડબ્બાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા સુચના આપી દીધી છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. જા કે, પથ્થરમારો થયાની ઘટના અંગે પોતાને કોઇ જાણ નહીં હોવાનું કહ્યું હતું.






