કેન્દ્રીય કર્મચારીઓને ટુંક સમયમાં ગુડ ન્યુઝ મળી શકે છે. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાના આગલા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે ‘હોળી ભેટ’ તરીકે અપેક્ષા કરતાં વધુ મળી શકે છે.
7મા પગારપંચના નિયમો હેઠળ ડીએમાં વધારાના આગામી રાઉન્ડ ઉપરાંત સરકારી કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો મળશે. જેના કારણે તેમનો પગાર પણ વધશે અને સૌથી મોટી, લાંબા સમયથી ચાલી રહેલી 18 મહિનાની ડીએ એરિયર્સની માંગ સફળ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાના એરિયર્સની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અથવા પુષ્ટિ થયેલ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં મીડિયા સૂત્રો દાવો કરે છે કે, સરકાર માર્ચમાં નિર્ણય લઈ શકે છે. સરકાર શરૂઆતથી જ તેના સ્ટેન્ડ પર મક્કમ છે કે જ્યારે કોવિડ-19 રોગચાળાને કારણે ડીએમાં વધારો અટકાવવામાં આવ્યો હતો, ત્યારે બાકી રકમનો કોઈ પ્રશ્ન જ નહોતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓનો પક્ષ જાન્યુઆરી 2020 અને જૂન 2021 વચ્ચેના 18 મહિનાના બાકી ચૂકવણીને લઈને દબાણ કરી રહ્યો છે. લેવલ 3 કેટેગરીના સરકારી કર્મચારીઓને 11,880-37,554 રૂપિયાની વચ્ચે જ્યારે લેવલ 13/14ના કર્મચારીઓને 1,44,200-2,15,900 રૂપિયાની વચ્ચે મળી શકે છે. મોરચાના હિતધારકો વચ્ચેની ચર્ચાના આધારે ભવિષ્યમાં આંકડા બદલાઈ શકે છે.