ભારતીય સેના દૂરના અને ઊંચાઈવાળા વિસ્તારોની દેખરેખ માટે લગભગ 200 સ્વદેશી બનાવટના પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાની યોજના બનાવી રહી છે. આ લાઈટ યુટિલિટી અને કોમ્બેટ હેલિકોપ્ટર હશે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આ જાણકારી આપી. જનરલ પાંડેએ જણાવ્યું કે, સેના તેની ફાઈટર એર વિંગ માટે લગભગ 95 પ્રચંડ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને 110 લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ખરીદવાની યોજના બનાવી રહી છે.
સેના પ્રમુખે જણાવ્યું કે, સેનાના ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરની જગ્યાએ પ્રચંડ હેલિકોપ્ટરને તૈયાર કરવાની વિચારણા થઈ રહી છે. LCH પ્રચંડમાં એકીકૃત થનારી હથિયાર પ્રણાલીઓમાંની એક હેલિના મિસાઈલ હશે અને તેનું પરીક્ષણ પણ સફળ રહ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવાયેલા 5.8-ટન ડબલ એન્જિનનું પ્રચંડ હેલિકોપ્ટર ઊંચાઈવાળા વિસ્તારોમાં દુશ્મનની ટેન્ક, બંકરો, ડ્રોન અને અન્ય હથિયારોને તોડી પાડવામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટરમાં દુશ્મનોની રડાર સિસ્ટમથી બચવા માટેની વિશેષતાઓ પણ સામેલ છે. ઉરાંત તે મજબૂત કવચ સુરક્ષા અને રાતના અંધારામાં હુમલો કરવામાં પણ સક્ષમ છે. આ હેલિકોપ્ટર વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં ઓપરેશન કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) પહેલાથી જ 40 હેલિના લોન્ચર્સ અને મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ઉપરાંત સેના પ્રમુખે જણાવ્યું કે, અમેરિકા તરફથી કુલ છ અપાચે હેલિકોપ્ટરની પ્રથમ બેચ આવતા વર્ષની શરૂઆતમાં મળવાની અપેક્ષા છે.