યુપીના ગોરખપુરના એક ગામમાં યજ્ઞ અને કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને શાનદાર બનાવવા માટે બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. થયું એવું કે અચાનક એક હાથી ગામમાં ચાલતા એ યજ્ઞથી ડરી ગયો અને તેને ત્યાં જ ભીષણ તાંડવ મચાવ્યું હતું. જે કોઈ તે સમયે હાથીની સામે આવ્યું તેને હાથીએ કચડી નાખ્યો. જણાવી દઈએ કે આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. નોંધનીય છે કે સીએમ યોગીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખની રાહત રકમ આપવાની સૂચના આપવામાં આવી છે.
ગામલોકોએ જણાવ્યું હતું કે નદી કિનારે આવેલા દિહ પાસે આયોજિત તે યજ્ઞમાં 5-6 હજાર લોકો પહોંચ્યા હતા. જો કે તેને વધુ શાનદાર બનાવવા માટે આમાં બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ગામની મહિલાઓ યજ્ઞ બાદ હાથીને પ્રસાદ પણ ખવડાવી રહી હતી. અચાનક એવું બન્યું કે બે હાથીમાંથી એક હાથી ડરી ગયો.
અચાનક ડરી જવાથી હાથીએ તેની સામે આવતી દરેક વ્યક્તિને કચડી નાખવાનું શરુ કર્યું હતું. હાથીએ દિલીપ મધેશિયાની પત્ની કૌશલ્યા દેવી (50 વર્ષ), તેના ચાર વર્ષના પૌત્ર ક્રિષ્ના અને ગામની મહિલા કાંતિ દેવી (55 વર્ષ)ને કચડી નાખ્યા. નોંધનીય છે કે અ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાથીનું ઉગ્ર સ્વરૂપ જોઈને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી અને આ પછી હાથી ખેતર તરફ ભાગવા લાગ્યો હતો.