ભાવનગર મહાપાલિકાની શુક્રવારે મળેલી સાધારણ સભામાં ભાવનગરની પ્રજા પર ડ્રેનેજ સેનિટેશન ચાર્જના નામે રહેણાંકમાં ૨૦૦નો નવો વેરો અને પાણી વેરામાં ૨૪૦નો વધારો ઝીંકવાનો શાસક પક્ષે નિર્ણય કર્યો હતો. પાણી વેરામાં વધારો કરવા અને ડ્રેનેજ સેનિટેશનના ચાર્જના નામે રૂ.૨૦૦નો વધારાનો વેરો ઝીંકવામાં આવતા વિરોધપક્ષના સભ્યોએ સભામાં ભારે દેકારો કર્યો હતો અને વેરા વધારાનો અને સેનિટેશન ચાર્જનો વિરોધ કરી સુત્રોચ્ચારો કર્યાં હતા અને સભામાંથી વોક આઉટ કર્યો હતો.
આગામી એપ્રિલ-૨૦૨૩થી ભાવનગરની પ્રજાને વેરામાં ૪૪૦નો વધારો ભોગવવો પડશે. પાણી વેરામાં વધારો અને ડ્રેનેજ ચાર્જ મળી કુલ રૂ.૧૨.૫૦ કરોડનો વેરો વધારો લાદવામાં આવશે. બહુમતીના જોરે ભાજપે જે પ્રજાએ તેને બહુમતી આપી છે તેના પર જ વેરાનો દંડો ઉગામ્યો છે. વિકાસને બદલે વેરા વધારાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે.
ભાવનગર મહાપાલિકાની શુક્રવારે મળેલ સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ભરતભાઈ બુધેલીયાએ આવાસ યોજનાના કામમાં ભાવનગર સિવાય રાજકોટના કોન્ટ્રાક્ટરોને કામ મળે છે. સરકાર દ્વારા નિયત કરાયેલા ક્રાઈટેરિયાને કારણે ભાવનગરના બિલ્ડરોને કામ મળતું નથી. રાજકોટની એજન્સી દ્વારા આવાસ યોજનાનું કામ રાખી તેના પેટામાં પણ રાજકોટના કોન્ટ્રાક્ટરને જ કામ અપાયું છે. નિયમોમાં ફેરફાર કરી ભાવનગરના બિલ્ડરોને કામ મળે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આવાસ યોજનામાં નબળી ગુણવત્તાના કામ થતા હોવાના આક્ષેપો થયા છે ત્યારે જવાબદાર એજન્સી સામે પગલા લેવા પણ સુચન કર્યું હતું. જે-તે સમયે રાષ્ટ્રપતિના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરવાની ઉતાવળમાં નબળુ કામ થયું હોવાના આક્ષેપો કર્યા હતાં જેમાં કમિશનર અને ચેરમેન દ્વારા આવી એજન્સી સામે પગલા ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
પ્રશ્નોત્તરી દરમિયાન ડોર ટુ ડોર ટેમ્પલ બેલમાં પણ ક્ષમતા કરતા વધુ કચરો ભરતા હોવા અને બાળમજૂરી કરાવતા હોવાનું વિરોધ પક્ષના સભ્ય દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના વિવિધ પ્રશ્નો અંગે પણ સભ્યોએ ચર્ચા કરી હતી. પાણી વેરામાં વધારો અને સેનિટેશન વેરો ઝીંકતા વિપક્ષો દ્વારા વોક આઉટ કરાયા બાદ શાસક પક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે તમામ ઠરાવોને બહાલી આપી હતી. સભામાં ભરતભાઈ બુધેલીયા, જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ધામેલીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, પંકજસિંહ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ સહિતનાએ ચર્ચામાં ભાગ લીધો હતો.