બ્રાઝિલના દક્ષિણ-પૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને પૂરની સ્થિતિ વચ્ચે 24 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. બ્રાઝિલમાં પૂરની તબાહીને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયા બાદ હવે સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી છે. આ તરફ સ્થાનિક તંત્ર દ્વારા આ વિસ્તારમાં મોટા પાયે બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્રનો પ્રયાસ છે કે, મૃત્યુઆંક ન વધે અને લોકોને તાત્કાલિક અસરથી મદદ પહોંચાડી શકાય.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બચાવકર્મીઓ પૂર પીડિતોને મદદ પહોંચાડવામાં લાગેલા છે. પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે જ રસ્તાઓની સફાઈ પણ કરવામાં આવી રહી છે. ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે અવરોધિત છે, જેના કારણે બ્રાઝિલિયન કાર્નિવલની ઉજવણી માટે મુસાફરી કરતા અસંખ્ય પ્રવાસીઓને અસુવિધા થઇ છે. સાઓ પાઉલો રાજ્ય સરકારે બ્રાઝિલના સૌથી ધનાઢ્ય રાજ્યના દરિયાકાંઠે 600 મિલીમીટર (23.62 ઇંચ) કરતાં વધુ વરસાદને કારણે 19 મૃત્યુ અને 566 વિસ્થાપિત અથવા ઘરવિહોણાની પુષ્ટિ કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાઓ પાઉલોના દરિયાકાંઠે ભારે વરસાદ ચાલુ રહેશે, જે બચાવકર્તાઓ માટે પડકારો ઉભો કરશે અને મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે.

વિગતો મુજબ સંઘીય સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુનઃસ્થાપિત કરવા અને પીડિતોને મદદ કરવા માટે પુનર્નિર્માણ કાર્ય શરૂ કરવા માટે ઘણા મંત્રાલયોને એકત્ર કર્યા છે. સાઓ પાઉલો રાજ્યે છ શહેરો માટે 180-દિવસની આફતની સ્થિતિ જાહેર કરી હતી જેને નિષ્ણાતોએ અભૂતપૂર્વ હવામાન ઘટના તરીકે વર્ણવી હતી. માહિતી મુજબ લેટિન અમેરિકાના સૌથી મોટા બંદર સેન્ટોસ પર શનિવારે 55 કિલોમીટર પ્રતિ મિનિટ (34.18 માઇલ પ્રતિ કલાક)થી વધુની ઝડપે પવન ફૂંકાતાં અને એક મીટરથી વધુ ઊંચા મોજાં વચ્ચે કામગીરીને અસર થઈ હતી. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, તેઓ સોમવારે મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.






