સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો માર હાલમાં ખૂબ પડી રહ્યો છે તેની વચ્ચે રોજીંદી જીવન જરૂરીયાતની ગણાતી વસ્તુઓના પણ ભાવ આસમાને પહોચી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણયની વાત કરીએ તો મંગળવારે ઘઉં અને લોટના છૂટક ભાવમાં ઘટાડો લાવવા માટે ખુલ્લા બજારમાં વધારાના 20 લાખ ટન ઘઉં વેચવાની જાહેરાત કરી છે. સાથે જ સરકારે લોટ મિલોને ખાદ્યાન્નના જથ્થાબંધ ભાવમાં નરમાઇ આવતા દરોમાં ઘટાડો કરવા જણાવ્યું હતું.
સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં પચાસ લાખ ટન એટલે કે (ત્રીસ લાખ + વીસ લાખ ટન) ઘઉં ઓએમએસએસ હેઠળ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦ લાખ ટન ઘઉંના વધારાના વેચાણ સાથે અનામત ભાવમાં ઘટાડો કરવા જેવા નિર્ણયોથી ગ્રાહકો માટે ઘઉં અને ઘઉંના ઉત્પાદનોના બજાર ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ) અને લોટ મિલો/મિલરો સાથે બેઠક યોજીને તાજેતરમાં થયેલી ઇ-હરાજીના બીજા રાઉન્ડમાં સ્ટોક ઓફટેકની સમીક્ષા કરી હતી. ખાદ્ય મંત્રાલયે કહ્યું કે, ઓએમએસએસ પોલિસીની જાહેરાત બાદ ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ જાન્યુઆરી 2023માં ફુગાવો ત્રણ મહિનાની ઊંચી સપાટી 6.52 ટકા પર રહ્યો હતો.