શહેરના કુંભારવાડામાં આવેલા મોક્ષ મંદિરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને લાંચના છટકામાં સપડાઇ ચુકેલા અરવિંદ ચતુરભાઇ પરમાર તથા તેના સાગરીતો હિરેનભાઇ, મુન્નાભાઇ અને રાહુલ દ્વારા કબ્જાે જમાવી આર્થિક લાભ મેળવવા ઉપરાંત દારૂ, જુગાર અને દેહ વ્યાપાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોવાનો સણસણતો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના લોકોએ એકત્ર થઇ ગઇકાલે જિલ્લા કલેક્ટર, એસ.પી. તથા ચેરીટી કમિશનરને લેખિતમાં આવેદન પાઠવી પગલા ભરવા માંગ ઉઠાવી હતી. આ આવેદનપત્રમાં આક્ષેપોનો મારો ચલાવાયો છે.
આવેદનપત્રમાં જણાવ્યાનુસાર પૂર્વ કોર્પોરેટર પોતે કોર્પોરેટર તરીકે ઓળખ આપી અને મોક્ષ મંદિરના ધરાર ટ્રસ્ટી થઇ બેઠા છે તેમજ ધાક જમાવે છે. મોક્ષ મંદિરની કેટલીક મિલ્કત ભાડે આપી દઇ પોતે આર્થિક લાભ મેળવી રહ્યા છે. આ ઉપરાંત મોક્ષ મંદિરને બદનામ અને બરબાદ કરતી અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. મોડી રાત્રે મોક્ષ મંદિરના દરવાજા ખોલીને દેહ વ્યાપાર સાથે સંકળાયેલ સ્ત્રીઓને અંદર લાવવામાં આવે છે. આવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરવિંદ પરમાર આણી મંડળી સામે એક નહીં અનેક આક્ષેપો
કુંભારવાડાના રહિશોએ લેખિત આવેદનમાં પોતાની સહિ સાથે કરેલા આક્ષેપો જાે સાચા હોય તો ખુબ જ શરમજનક કહી શકાય તેમ છે. આક્ષેપ મુજબ પૂર્વ કોર્પોરેટર અરવિંદ પરમાર અને સાગરીતો મોક્ષ મંદિરમાં આવેલ માતાજીના મંદિરમાં દર્શન કરતા રોકે છે, ગેરકાયદે ફાળો ઉઘરાવે છે, દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ કરવા સાથે દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓને રાત્રે લાવે છે, અવાજ ઉઠાવનાર સામે એટ્રોસિટીના કેસ કરે છે, સ્મશાનમાં કોઇ વ્યવસ્થા થવા દેતા નથી, ઘી અને તલ ફરજીયાત પોતાની પાસેથી લેવાનો નિયમ લાદી ડાઘુઓ પાસેથી પૈસા પડાવાય છે, મોક્ષ મંદિરની જગ્યામાં ગેરકાયદે રીતે રહેવાની રૂમો તથા દુકાનો બનાવી ભાડાની આવક મેળવે છે.
મોક્ષધામના ખરા ટ્રસ્ટીઓ નિષ્ક્રીય થતા લેભાગુ તત્વો સક્રિય !
લોકોમાં ચર્ચા મુજબ કુંભારવાડા મોક્ષધામમાં બે અલગ અલગ યુનિટ આવેલા છે. જે બન્ને યુનિટનો અલગ અલગ પેઢી અને ટ્રસ્ટીઓ દ્વારા વહિવટ અને સાર-સંભાળ થઇ રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખરા ટ્રસ્ટીઓ નિરસ અને નિષ્ક્રીય હોવાનું ચર્ચાય છે અને આથી જ લેભાગુ તત્વો સક્રિય થયાનો ગણગણાટ વ્યાપ્યો છે.