ભાવનગર તા.૧
ઘોઘામાં રહેતા મુસ્લિમ આધેડને અગાઉ થયેલ ઝઘડા અંગે પોલીસને અરજી કર્યાની દાઝ રાખી તેના સાળાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે ઝેરી દવા પી લેતા તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ઘોઘાના માલમવાડા કબ્રસ્તાનની બાજુમાં રહેતા સિકંદરભાઈ સુલતાનભાઇ શેખને તેના સાળા મહેબૂબ ગફારભાઈ રફાઈ સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો, તે મામલે તેમણે ઘોઘા પોલીસ મથકમાં અરજી આપી હતી.
પોલીસમાં અરજી આપ્યાની દાઝ રાખી મહેબુબ રફાઈએ સિકંદરભાઈને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિકંદરભાઈને લાગી આવતા તેમણે તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સિકંદરભાઈ શેખના પત્ની સઈદાબેને તેના ભાઈ મહેબૂબ રફાઈ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.