વરતેજ તાબેના ભંડારીયા ગામમાં રહેતા યુવાનના ભાઈને અગાઉ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે થયેલ માથાકૂટની દાજ રાખી પાંચ શખ્સોએ યુવાનને લાફ ઝીંકી દુકાનમાં તોડફોડ કરી નુકસાન કરતા વરતેજ પોલીસે બે શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ વરતેજ તાબેના ભંડારીયા ગામમાં રહેતા અને પાન-મસાલાની દુકાન ધરાવતા ભરવાડ ગૌતમભાઈ ધીરુભાઈ જોગરાણા (ઉં.વ. ૧૯ ) ના ભાઈ કલ્પેશભાઈ ગત તા.૨૭ ના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા માટે ગયા હતા તે દરમિયાન દિવ્યરાજસિંહ સાથે માથાકૂટ થઈ હતી જેની દાઝ રાખી ગઈકાલે સાંજે ગૌતમભાઈ જોગરાણા તેમની દુકાને હાજર હતા તે દરમિયાન એક કાર અને બાઈકમાં ઓદરકાના બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ, ભયલુભા કાળુભા ગોહિલ, બ્રિજરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, છત્રપાલસિંહ શંભુભા ગોહિલ અને એક અજાણ્યો ઇસમે આવી કલ્પેશની પૂછપરછ કરી ગૌતમભાઈને બે લાફ ઝીંકી ગઈ દુકાનમાં પાઇપ અને ધોકા પછાડી માલ સામાન વેર વિખેર કરી દઈ રૂ.૨,૦૦૦ નું નુકસાન કર્યું હતું.
આ ધમાલ દરમિયાન આજુબાજુના માણસો ભેગા થઈ જતા આ શખ્સો કાર અને બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા તેમજ પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હોય બનાવની જાણ થતા દોડી આવ્યો હતો અને નાસી છૂટેલા ઇસમોનો પીછો કરીને બ્રીજરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને છત્રપાલસિંહ શંભુભા ગોહિલને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે ગૌતમભાઈ જોગરાણાએ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.