હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5, 6 અને 7 માર્ચે સોરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો છે.
આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા અન્નદાતાઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે. બનાસાકાંઠા જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી છાંટા શરૂ થયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી છે. કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકો અને સૂકા ઘાસચારામાં નુકસાન થઈ શકે છે.
રાજ્યમાં માવઠાની આગાહી
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.






