રાજકોટ શહેરમાં તહેવારની ઉજવણી બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના વધુ બે કેસ જોવા સામે આવ્યા હતા અને આ સાથે જ શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે. આ છ દર્દીઓમાંથી ચાર દર્દીઓએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા છે જ્યારે બે દર્દીએ હજુસુધી એકપણ ડોઝ લીધો નથી.
શહેરમાં છેલ્લા મહિનાથી શરદી ઉધરસ અને તાવના રોગચાળાને કારણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ઘરે ઘરે વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ કારણે શહેરમાં કોરોના ટેસ્ટમાં પણ ધીરે ધીરે વધારો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં હાલ 6 દર્દીઓ છે. આ દર્દીઓમાં એક તબીબ, બે મહિલા, એક પુરુષ અને એક યુવક અને યુવતીનો સમાવેશ થાય છે. શહેરમાં ચાલુ સપ્તાહમાં ત્રણ નવા દર્દી નોંધાયા હતા. ગઈકાલે બે દર્દીઓ નોંધાયા હતા. આ તમામ દર્દીઓ હોમ આઈસોલેટ છે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત આ તમામ દર્દીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.