૫૨ વર્ષ પહેલા ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના મકાનનુ નિર્માણ થયું હતું અને જે હજારો વૃદ્ધજનો માટે આશિર્વાદરૂપ બન્યું છે. આ સંકુલ જીર્ણ થતા ૧૪ કરોડના ખર્ચે ચાર માળનું નવું સંકુલ તૈયાર થવા જઇ રહ્યું છે અને આ સેવાકાર્ય માટે ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ ખુલ્લા મને આગળ આવ્યા છે. આ નવા સંકુલનું ભૂમિ પૂજન ૧૨ માર્ચને રવિવારે આચાર્ય મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ શહેરના શ્રેષ્ઠીઓ તથા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ સહિતની હાજરીમાં યોજાઇ ગયું.
સ્વાતિબેન પાઠકના કંઠે પ્રાર્થના ગીતથી શરૂ કરાયેલ સમારોહનું દીપ પ્રાગટ્ય પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી તથા ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સ્વામીજી તથા ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર તથા પુસ્તક પુષ્પથી ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નીલાબેન ઓઝાએ શાબ્દિક સ્વાગત સાથે સંસ્થાની રૂપરેખા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વ.માનભાઈ ભટ્ટ દ્વારા ૫૨ વર્ષ પહેલા આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલ જુના મકાનમાં ૧૬૦ આશ્રમવાસીઓનો સમાવેશ થતો હતો જે મકાન નવું બનાવતા નવા મકાનમાં ૧૭૬ આશ્રમવાસીઓનો સમાવેશ થશે આ મકાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ચાર માળનું સંકુલ ૧૪ કરોડના ખર્ચે બનશે તેમ જણાવ્યું હતું.
આ ઉમદા કાર્ય માટે કિરણભાઇ અને દુલારીબેન સંઘવી દ્વારા ૨.૪૧ કરોડ, હરેશભાઇ શાહ દ્વારા ૧.૧૧ કરોડ, લીલા પરિવારના કોમલકાંત શર્માના લઘુબંધુ ડો.અનિલભાઇ શર્મા દ્વારા ૫૧ લાખ તથા અન્ય દાતાઓ દ્વારા અનુદાન પ્રાપ્ત થયેલ છે. ભૂમિપૂજન પ્રસંગે જયંતભાઇ વનાણી (બુધાભાઇ પટેલ), લીલા પરિવારના કોમલકાંત શર્મા, પૂર્ણિમાબેન શર્મા, મુકેશભાઇ શાહ (શાહ ઇન્વેસ્ટમેન્ટ), અચ્યુતભાઇ મહેતા, ભાવનગર મ્યુ. કમિશનર એન.વી. ઉપાધ્યાય, ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ સુનીલ વડોદરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. કોમલકાંત શર્માએ આ પ્રસંગે આ સંકુલ વૃદ્ધજનો માટે આશિર્વાદરૂપ પુરવાર થાય તેવી શુભેચ્છા પાઠવી સેવા પ્રવૃત્તિ માટે લીલા ગૃપ હંમેશા તત્પર રહ્યું છે અને તત્પર રહેશે તેમ જણાવ્યું હતું.