સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત-તમીલ સંગમ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જે અંગેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી-તમીલ સંગમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જે બાદ આગામી માસે યાત્રાધામ સોમનાથમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
ગુજરાત અને તામીલનાડુની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ એક અઠવાડીયા સુધીનો યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ થકી પ્રાચીન જ્ઞાન કેન્દ્ર તામીલનાડુ અને સોમનાથ (ગુજરાત)ના વર્ષો જુના સંબંધો ઉજાગર થશે. હજારો શ્રધ્ધાળુઓ અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લેશે. સુત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તામીલનાડુથી મહેમાનો તેમજ વિદ્વાનો મોટી સંખ્યામાં આવશે. આ કાર્યક્રમ સંદર્ભે અત્યારથી જ તખ્તો તૈયાર કરી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે