બિહારના ફુલવારી શરીફ અને મોતીહારીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સાથે સંબધો રાખનાર કેટલાંક લોકો મિશન ગઝવા-એ-હિંદ પર કામ કરીને દેશમાં ભારે નુકશાન કરવાના ફિરાકમાં હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં દેશમાં ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં મિશન ગઝવા-હિંદનું કનેકશન બહાર આવતા એનઆઇએ દ્વારા ગુજરાતના રાણપુર, વાપી અને સુરતમાં કેટલાંક યુવાનોને ડીટેઇન કરીને પુછપરછ કરવામાં આવી હતી જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા બિહારના ફુલવારી શરીફ અને મોતીહારીની મસ્જિદમાંથી પીએફઆઇની દેશ વિરોધી કામગીરીનો પર્દાફાશ કરાયો હતો. જેમાં પીએફઆઇ સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાંક યુવાનો જોડાયેલા હોવાની સાથે તે દેશમાં નુકશાન પહોંચાડવા માટે ગઝવા-એ-હિંદ નામના મિશન પર કામ કરતા હોવાની ચોંકાવનારી માહિતી એનઆઇએને મળી હતી. જેના આધારે બુધવારે મધરાત્રીએ જ બોટાદના રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ દ્વારા દરોડા પાડીને પાંચ જેટલા લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં એનઆઇએ ના અધિકારીઓને ગઝવા-એ-હિંદ મિશનને લગતી વિગતો મળી છે. જેમાં હાલ પણ તમામ યુવકોની અટકાયત યથાવત રાખીને હજુ પુછપરછનો દૌર યથાવત રાખવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ એનઆઇએ આગામી દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોટાપાયે કાર્યવાહી કરી શકે છે.