ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રમાં હજુ ઉનાળાની આકરી ગરમી પડતી નથી પરંતુ આવતા દિવસોમાં હવે હિટવેવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલથી જુન દરમ્યાન દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહેવાની સંભાવના છે. માત્ર દક્ષિણના અમુક મેદાની ભાગો અને ઉતર-પશ્ચીમ ભારતના અમુક ભાગોમાં તાપમાન નોર્મલ છે તેનાથી નીચે રહેશે. બાકી દેશના ઉતરપૂર્વ, પૂર્વ તથા મધ્ય ભારતના ભાગો અને ઉતર-પશ્ચીમ ભારતના અમુક ક્ષેત્રોમાં તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેવાની સંભાવના છે.
તેઓએ જણાવ્યું કે બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ, ઓડિસા, પશ્ચીમ બંગાળ, છતીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં હિટવેવની સંખ્યા પણ નોંધપાત્ર પ્રમાણમાં વધુ રહેવાની શકયતા છે. માર્ચ મહિનાના વરસાદને લાગે વળગે છે ત્યાં સુધી સમગ્ર દેશમાં સરેરાશના સ્તરે રહ્યો છે.
ઉતર-પશ્ચીમ ભારત, પશ્ચીમ-મધ્ય ભારત અને પૂર્વતર તથા પૂર્વ ભારતના અમુક ભાગોમાં સરેરાશ કરતા નોર્મલ રહ્યો છે. આવતા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આશંકા અને હિટવેવની માત્રા વધવાની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા હિટવેવની અસર વિશે જનહિતમાં કલરકોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. લોકોને હિટવેવ સામે આગોતરી ચેતવણી આપવા અને યોગ્ય પગલા લેવા માટે એકશન પ્લાન ઘડવા સ્થાનિક આરોગ્ય વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે.



